એક સમયના નહેરુના મત વિસ્તાર ફૂલપુરમાં આજે થઈ રહ્યું છે 'મોદી મોદી', જાણો કેમ?
પ્રયાગરાજને અડીને આવેલા યુપીના ફૂલપુર લોકસબા વિસ્તારમાં એક વર્ષની અંદર જ રાજકારણ બદલાયેલું દેખાઈ રહ્યું છે. અહીંના લોકો પાસેથી જાણીએ તો હાલની ચૂંટણીમાં મોદી વિરુદ્ધ ઓલની સ્થિતિ છે. જેમ જેમ તમદાનની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ મતદારોનો ઉત્સાહ બેવડાઈ રહ્યો છે. 19.75 લાખ મતદારો ધરાવતા આ વિસ્તારમાં 2018ની પેટાચૂંટણીમાં ભાજપને ઝટકો મળ્યો હતો. પરંતુ આજે માહોલ ખૂબ જ બદલાઈ ચૂક્યો છે. ચાલો સમજવાની કોશિશ કરીએ છેલ્લા એક વર્ષમાં એવું શું થયું કે અહીં રાજકીય સમીકરણો બદલાવાની ચર્ચા છે.

ફૂલપુરનો ગ્રાઉન્ડ રિપોર્ટ
અલ્હાબાદમાં એક દુકાન ધરાવતા અશિત નિયોગીનું કહેવું છે કે,'અલ્હાબાદ અને ફૂલપુરના લોકોમાંથી હજી 2019ની અત્યંત સફ રહેલા કુંભનો ખુમાર ઉતર્યો નથી. કુંભને કારણે અહીં વિકાસના ઘણા કામો થયા છે. જેને સ્થાનિલોકોએ જોયા છે. આ ભાજપ માટે એડવાન્ટેજ છે.' ફાફામઉના ભાસ્કરસિંહનું કહેવું છે,'જ્યારે રાજ્યમાં ભાજપની સરકાર રચાઈ ત્યારે આ વિસ્તારમાં વિકાસ દેખાયો છે.' જો કે બિઝનેસમેન અભિલાશ બસકનું કહેવું છે કે,'માળખાગત વિકાસ તો થયો છે પરંતુ જ્યાં સુધી બાયલેનનો સવાલ છે, રસ્તા ખરાબ છે અને સ્ટ્રીટલાઈટની વ્યવસ્થા સાવ ખરાબ છે.' સાથે જ તેઓ લકૂરગંજ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનો મુદ્દો પણ ઉઠાવે છે. જો કે તેઓ એ પણ સ્પષ્ટ કરે છે કે,'જ્યાં સુધી લોકસભા 2019ની ચૂંટણીનો સવાલ છે, તો મને લાગે છે કે લોકો પીએમ મોદીની સાથે છે.' સિવિલ લાઈન્સના અમન મહેરા પણ એ જ વાત કહે છે કે તેઓ પણ મોદીને જ વોટ આપી રહ્યા છે.

જાતીય સમીકરણ પણ અસરકારક
કેટલાક લોકો એવા પણ છે જે ઉપરના મુદ્દા સાથે સ્હેજ પણ જોડાયેલા નથી. અલ્હાબાદના દારાગંજના નિર્મલકુમાર દાસનું કહેવું છે કે,'જ્યાં સુધી લોકસભા ચૂંટણીની વાત છે તો વિકાસ પાછળ છૂટી ચૂક્યો છે, હવે જાતીય સમીકરણની ચર્ચા છે, જે મુદ્દો છેલ્લા બે દિવસથી સામે આવ્યો છે.' આ જ કારણ છે કે સમાજવાદી પાર્ટીને આ સીટ જાળવી રાખવાનો વિશ્વાસ છે. સપાના પ્રવક્તા અને એમએલસી રાજપાલ કશ્યપનું કહેવું છે કે,'ફૂલપૂર, ગોરખપુર અને કૈરાનાની પેટાચૂંટણીએ યુપીનું રાજકારણ બદલી નાખ્યું છે અને હવે જનતા ભાજપનો સફાયો કરવાની છે. આ તમામ વિસ્તારોમાં વોટ તો મહાગઠબંધનન જ મળશે.'

બદલાયેલા સમીકરણ, બદલાયેલા ચહેરા
આ વખતે અહીં ભાજપ તરફથી કેશરીદેવી પટેલ, સપા તરફથી પંધારી યાદવ અને કોંગ્રેસ તરફતી પંકજ પટેલ સહિત 14 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે પેટાચૂંટણીમાં વિપક્ષના કોમન ઉમેદવાર તરીકે સપાના નાગેન્દ્ર પ્રતાપ પટેલ જીત્યા હતા. ત્યારે સપાના નાગેન્દ્ર પટેલને 3.42 લાખ વોટ મળ્યા હતા, તેમણે ભાજપના કૌશલેન્દ્રસિંહને હરાવ્યા હતા. કૌશલેન્દ્રસિંહને 2.83 લાખ વોટ મળ્યા હતા. જો કે ભાજપનો દાવો છે કે પેટા ચૂંટણી કરતા હાલની પરિસ્થિતિ અલગ છે. ભાજપના મીડિયા કો ઓર્ડિનેટર રાકેશ ત્રિપાઠીનું કહેવું છે,'પેટાચૂંટણીમાં ઓછું મતદાન થવાને કારણે ભાજપ હાર્યું હતું. પરંતુ પાછલા એક વર્ષમાં મોટી સંખ્યામાં ફર્સ્ટ ટાઈમ વોટર્સ ભાજપ સાથે જોડાયા છે. મને પૂરો ભરોસો છે કે ફૂલપુરથી ભાજપના ઉમેદવાર જ જીતશે.'

નહેરુનું આ છે કનેક્શન
ફૂલપુર બેઠક પરથી જવાહરલાલ નહેરુ 1951, 1957, અને 1962માં જીત્યા હતા. 1951માં આ વિસ્તાર અલ્હાબાદ જિલ્લો (પૂર્વ) અને જૌનપુર જિલ્લો (પશ્ચિમ)ના નામે ઓળખાતો હતો. 1964માં નહેરુના નિધન બાદ અહીંથી તેમના બહેન વિજયાલક્ષ્મી પંડિત બે વાર 1964 અને 1967માં જીતી ચૂક્યા છે. છેલ્લે કોંગ્રેસે આ બેઠકે 1971માં જીતી હતી, ત્યારે વિશ્વનાથપ્રતાપસિંહ આ બેઠક પરથી જીત્યા હતા. ત્યાર બાદથી અહીં બિન ભાજપ અને બિન કોંગ્રેસી પક્ષ જ જીતતા આવ્યા છે. 1996, 1998, 2004 અને 2018માં સપાએ બેઠક પર જીત મેળવી હતી, તો 2009માં અહીં બસપાના ઉમેદવાર જીત્યા હતા. ભાજપે પહેલીવાર 2014માં આ બેઠક પર જીત મેળવી હતી, ત્યારે ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મોર્ય અહીંથી જીત્યા હતા. જો કે તેમના રાજીનામા બાદ જ પેટાચૂંટણી થઈ હતી.
છઠ્ઠા તબક્કામાં 12 મેએ આ બેઠક પર મતદાન થશે. આ લોકસભા વિસ્તારમાં ફૂલપુર, પાફામઉ, સોરાંવ (અનામત), અલ્હાબાદ પશ્ચિમ અને અલ્હાબાદ ઉત્તર વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે.