Monsoon Session 2023 : આજે યોજાશે સર્વપક્ષીય બેઠક, PM મોદી આપશે હાજરી
Monsoon Session 2023 : કેન્દ્ર સરકાર દ્વારા 20 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 19 જુલાઇના રોજ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. આ એક ઔપચારિક બેઠક હશે, જે સંસદનું સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા થશે. આ બેઠકમાં સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી પણ ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા મંગળવારના રોજ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, પરંતુ મોટાભાગના પક્ષોના નેતાઓની ગેરહાજરીને કારણે આ બેઠક સ્થગિત કરવામાં આવી હતી.

આ વર્ષે અનેક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી પક્ષ અને વિપક્ષ પોતપોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. મંગળવારના રોજ જ્યારે વિપક્ષની બેંગ્લોરમાં બેઠક થઈ રહી છે. જે સામે NDAની બેઠક દિલ્હીમાં થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, ચોમાસુ સત્ર તોફાની રહેવાની ધારણા છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષ સરકાર સામે આક્રમક વલણ અપનાવશે. આ સાથે વિપક્ષ મોંઘવારી, મણિપુર સંકટ જેવા મુદ્દાઓ પર પણ સરકાર પર નિશાન સાધી શકે છે. ઉલ્લેખનીય છે કે, સંસદનું શિયાળુ સત્ર પણ હોબાળાથી ધમધમતું રહ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે ચોમાસુ સત્રમાં લેફ્ટનન્ટ ગવર્નરને વધુ વહીવટી સત્તા આપતા કેન્દ્ર સરકારના વટહુકમને બદલવાના બિલને લઈને દિલ્હીમાં હોબાળો થઈ શકે છે. આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બિલ વિરુદ્ધ સમર્થન મેળવવા વિપક્ષી નેતાઓને મળ્યા હતા. કોંગ્રેસે આ બિલનો વિરોધ કરવા માટે સમર્થન આપ્યું છે.
કેન્દ્રનો વટહુકમ સુપ્રીમ કોર્ટના 11 મે, 2023ના ચુકાદાને રદ્દ કરે છે, જે દિલ્હી સરકારને સેવાઓ પર વધુ કાયદાકીય અને વહીવટી નિયંત્રણ આપે છે. આ ઉપરાંત તે લેફ્ટનન્ટ ગવર્નરને આવી બાબતોમાં નિર્ણય લેવાની સત્તા આપે છે.
લોકસભામાં બિલ સરળતાથી પસાર થઈ જશે. કારણ કે, ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પાસે નીચલા ગૃહમાં સ્પષ્ટ બહુમતી છે. રાજ્યસભામાં બિલ પાસ કરાવવામાં પડકાર ઉભો થઈ શકે છે. કારણ કે, વર્તમાન ગૃહનું સંખ્યાબળ સાત ખાલી બેઠકો સાથે 238 છે, જે ઉપલા ગૃહમાં બહુમતીનો આંકડો ઘટાડીને 120 સુધી પહોંચાડે છે. જા કારણે ભાજપના નેતૃત્વવાળી સરકારને રાજ્યસભામાં કેટલાક વિરોધનો સામનો કરવો પડી શકે છે.
નામાંકિત સભ્યોના સમર્થન સાથે ભાજપના નેતૃત્વ હેઠળના NDA પાસે ઉપલા ગૃહમાં 111નું સંખ્યાબળ છે, જ્યારે YSRCP, BJD, BSP, TDP અને જનતા દળ (સેક્યુલર) જેવા પક્ષોને બાદ કરતાં વિપક્ષનું કુલ સંખ્યાબળ 106 છે. આ પાંચેય પક્ષો મળીને 21 સભ્યો ધરાવે છે. આ પાર્ટીઓએ હજુ સુધી AAPને સમર્થન જાહેર કર્યું નથી.












Click it and Unblock the Notifications
