નવા મોટર વ્હીકલ એક્ટમાં આ વાતો માટે નહી કાપવામાં આવે ચાલાન, મંત્રાલયે કર્યા સાવચેત
એક સપ્ટેમ્બરથી લાગુ થયેલ સંશોધિત મોટર વ્હીકલ એક્ટ બાદ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. વળી, ચાલાન કાપવા અંગે વિવિધ પ્રકારની વાતો સામે આવી રહી છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે અડધી બાયના શર્ટ અને લુંગી-બનિયાન પહેરીને ગાડી ચલાવવા પર ચાલાન કાપવામાં આવી શકે છે. હવે કેન્દ્રીય અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીના કાર્યાલયે આ સમાચારો માટે સતર્ક રહેવા માટે કહ્યુ છે.
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની ઓફિસના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કર્યુ છે, 'અફવાઓથી સાવધાન...!' આમાં જણાવવામાં આવ્યુ છે કે, 'નવા મોટર વ્હીકલ એક્ટમાં અડધી બાયના શર્ટ પહેરીને ગાડી ચલાવવા અને લુંગી-બનિયાનમાં ગાડી ચલાવવા પર ચાલાન કાપવાની જોગવાઈ નથી.' ટ્વીટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે, 'ગાડીમાં એકસ્ટ્રા બલ્બ નહી રાખવા, ગાડીનો કાચ ગંદો હોવા અને ચંપલ પહેરીને ગાડી ચલાવવા પર પણ ચાલાન કાપવાનો કોઈ કાયદો નથી.'
તમને જણાવી દઈએ કે નવો મોટર વ્હીકલ એક્ટ એક સપ્ટેમ્બરથી લાગુ થયો છે, જે હેઠળ પરિવહનના નિયમોના ઉલ્લંઘન પર ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. પહેલાના મુકાબલે આ દંડ લગભગ 10 ગણા સુધી વધુ છે. આ વિશે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. થોડા દિવસો અગાઉ ઓડિશામાં નાગાલેન્ડના એક ટ્રક માલિકનો 6.3 લાખનુ ચાલાન કાપવામાં આવ્યુ હતુ. ટ્રકની પરમિટ, પીયુસી અને વીમો વગેરે કંઈ પણ નહોતુ.
अफवाहों से सावधान...!#TrafficFines #MotorVehicleAct pic.twitter.com/vd2gLu72i3
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) 25 September 2019
ચાલાનની રકમ ઘણી વાર એટલી વધુ હોય છે કે લોકો ચોંકી જાય છે. જો કે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ દંડની રકમમાં વધારો કરવા અંગે બચાવ કર્યો હતો કે દેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોના મોત થઈ જાય છે. માટે આ નવા કાયદાનો હેતુ વાહન ચાલકોને પરિવહનના નિયમોનુ ઉલ્લંઘન કરવાથી રોકવાનો છે. જો કે ગુજરાત, પશ્ચિમ બંગાળ, એમપી અને ઉત્તરાખંડ જેવા રાજ્યોએ નવા મોટર વ્હીકલ એક્ટને લાગુ ન કરવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચોઃ ભારે વરસાદના કારણે પૂનામાં પૂર જેવી સ્થિતિ, 7ના મોત, શાળા-કોલેજો બંધ