સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદોઃ અનેક રાજકારણીઓની ખતમ થઇ જશે કારકિર્દી
નવી દિલ્હી, 11 જુલાઇઃ દેશની સંસદ અને વિધાનસભામાં હવે દાગીઓ માટે કોઇ સ્થાન નહીં રહે. સુપ્રીમ કોર્ટે બુધવારે રાજકારણને સ્વચ્છ કરવા માટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. ગુનાહિત મામલામાં ટ્રાયલ કોર્ટ દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યા બાદ તુરત જ સાંસદ અને ધારાસભ્યએ પદ છોડવું પડશે, હવે તેઓ એમ કહીંને પદ પર નહીં રહી શકે કે તેમની પાસે હાઇકોર્ટમાં અપીલનો વિકલ્પ છે.
સુપ્રીમ કોર્ટે જનપ્રતિનિધિત્વ કાયદાની કલમ 8(4)ને જ રદી કરી નાંખી છે, જે દાગી નેતાઓના કેસ લંબિત રહેતા હોવા છતાં પણ તેમને પદ પર યથાવત રહેવાની છૂટ આપે છે. ચુકાદો તુરત પ્રભાવથી લાગૂ કરવામાં આવ્યો છે, જો કે, આ એ સાંસદો અને ધારાસભ્યોને લાગૂ નહીં પડે, જે નીચલી અદાલતના ચુકાદાને બુધવાર પહેલા હાઇકોર્ટમાં પડકારી ચુક્યા છે.
જસ્ટિસ એ.કે પટનાયક અને જસ્ટિસ એસ.જે મુખોપાધ્યાયની બેંચે કહ્યું કે, દોષી જાહેર કરવામાં આવ્યાની તારીખથી જ અયોગ્યતા લાગૂ કરી દેવામાં આવશે. કોર્ટે આ ચુકાદો લિલી થોમસ અને લોક પ્રહરી નામની એનજીઓની યાચિકા પર આપ્યો છે. થોમસે 2005માં આ યાચિકા દાખલ કરી હતી. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ કે આ ચુકાદાથી કોની-કોની કારકિર્દી પર પુર્ણવિરામ મુકાય તેવી સંભાવનાઓ છે.

લાલુ પ્રસાદ યાદવ
આને સંયોગ કહો કે પછી લાલુ પ્રસાદ યાદવનું દુર્ભાગ્ય કે તેમણે નીચલી અદાલતના નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી નહોતી. જો તેમને બે વર્ષ અથવા તો વધુ સમયની સજા થશે તો તેમની રાજકીય કારકિર્દી ખતમ થઇ જશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે જ સીબીઆઇ કોર્ટના ચુકાદા પર રોક લગાવી દીધી હતી. કોર્ટ 15 જુલાઇએ ચુકાદો સંભળાવવાની છે. આગામી સુનાવણી 23મીએ થશે.

એ રાજા
દેશના સૌથી મોટા કૌભાંડમાના એક 2જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં એ. રાજા મુખ્ય આરોપી છે. રાજા ઉપરાંત અનેક નેતા અને સરકારી કર્મચારીઓ આ ગોટાળામાં સામેલ છે. આ ગોટાળામાં ગેરકાયદે રીતે મોબાઇલ કંપનીઓને નક્કી કરેલી રકમથી ઓછામાં સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવી હતી. આ કૌભાંડમાં તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિના પુત્રી અને રાજ્યસભાના સાંસદ એમ કનિમોઝી પણ આરોપી છે.

સુરેશ કલમાડી
2010માં ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ થયા હતા, જેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આરોપ આયોજન સમિતિના તત્કાલિન પ્રમુખ અને પુણેના સાંસદ સુરેશ કલમાડી છે. હાલ તે જમાનત પર બહાર છે.

કોલસા કૌભાંડ
આ કૌભાંડમાં અનેક રાજકારણીઓના નામ આવ્યા છે. જો કે, તેના મુખ્ય આરોપી કોંગ્રેસ સાંસદ અને ઉદ્યોગપતિ નવીન જિંદાલ છે. ઉપરાંત પૂર્વ પર્યટન મંત્રી સુબોધ કાંત સહાય પર પણ આરોપ લાગ્યા હતા કે તેમણે એસકેએસ સ્ટીલ અને પાવર કંપનીને કોલસા ખાણની ફાળવણી કરવા માટે પ્રધાનમંત્રી મનમોહન સિંહને પત્ર લખ્યો હતો, આ કૌભાંડના છાંટા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી પર પણ ઉડ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ વિજય દર્ડા અને તેમના ભાઇ મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી રાજેન્દ્ર દર્ડા, આરજેડી નેતા પ્રેમચંદ ગુપ્તાના નામ પણ આ કૌભાંડમાં ઉછળ્યા છે.

અમિત શાહ
ગુજરાતમાં સોહરાબુદ્દિન ફેક એન્કાઉન્ટરને લઇને અમિત શાહની રાજકીય કારકિર્દી પણ ખતમ થઇ શકે છે. જો આ કેસમાં તે દોષી સાબિત થયા અને કોર્ટ દ્વારા તેમને 2 કે તેથી વધુ વર્ષની સજા સંભળાવવામાં આવી તો સુપ્રીમ કોર્ટના હાલના તાજા ઐતિહાસિક ચુકાદાને લઇને તેમની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઇ શકે છે.

અડવાણી અને ઉમા ભારતી
બાબરી ધ્વંશ મામલે ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓની ખુરશી પણ છીનવાય શકે છે. આ યાદીમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સામે બાબરી ધ્વંશ મામલે કેસ ચાલી રહ્યો છે અને તેમણે હાઇકોર્ટમાં નીચલી અદાલતના ચુકાદાને લઇને કોઇ અપીલ બુધવાર પહેલા નહીં કરી હોય તો તેમને પણ પોતાની ખુરશી ગુમાવવી પડી શકે છે, ત્યારબાદ તેઓ માત્ર પાર્ટીના એક સક્રિય કાર્યકર્તા બનીને રહી જશે અથવા તો પાર્ટીમાં જ કોઇ મહત્વનું પદ સંભાળી શકશે સાંસદ કે ધારાસભ્ય નહીં બની શકે.