આર્યન ખાન કેસમાં વસૂલીના પુરાવા ન મળતા મુંબઈ પોલીસે તપાસ અટકાવી!
મુંબઈ, 22 ડિસેમ્બર : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ડ્રગ્સ કેસમાં આરોપી છે અને હાલમાં તે જામીન પર બહાર છે. થોડા દિવસો પહેલા બોમ્બે કોર્ટે તેને મોટી રાહત આપી હતી અને દર અઠવાડિયે NCB ઓફિસમાં હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી. બીજી તરફ આર્યન ખાન ડ્રગ કેસમાં મુંબઈ પોલીસે બુધવારે એક મોટું અપડેટ આપ્યું છે. બુધવારે મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે તેને ક્રૂઝ પર ડ્રગ્સના કેસમાં વસૂલીના કોઈ પુરાવા મળ્યા નથી. આ કારણોસર આ આરોપોની તપાસ આગામી આદેશ સુધી અટકાવી દેવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસે કહ્યું કે પોલીસે તપાસ માટે SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી હતી અને લગભગ 20 લોકોની પૂછપરછ કરી હતી. આમાં હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી, કારણ કે હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સ્વતંત્ર સાક્ષી પ્રભાકર સેલે આક્ષેપ કર્યો હતો કે તેણે 25 કરોડની માંગણી અંગેની ફોન પર વાતચીત સાંભળી હતી, જેના પગલે મુંબઈ પોલીસે ખંડણીના કેસની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી હતી.
ઑક્ટોબરમાં સેલે દાવો કર્યો હતો કે કેસમાં આર્યન ખાનને છોડવા માટે એનસીબીના અધિકારી અને કેપી ગોસાવી સહિત અન્ય વ્યક્તિઓ દ્વારા નાણાંની માંગ કરવામાં આવી હતી. આ મામલે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દલાની ગોસામી અને સેમ ડિસોઝાને મળવા પહોંચી હતી. સેલે જણાવ્યું હતું કે તેઓએ ગોસાવીને ફોન પર સેમ ડિસોઝાને કહેતા સાંભળ્યા હતા. 2 ઓક્ટોબરના દરોડા પછી આર્યન ખાનને NCB ઓફિસમાં લાવવામાં આવ્યો ત્યારે તેને છોડવા 18 કરોડમાં સમાધાનની વાત કરી હતી. જેમાં સમીર વાનખેડેને આઠ કરોડ રૂપિયા ચૂકવવાના હતા.
NCB અને તેના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ ડ્રગ જપ્તીના કેસમાં ખંડણીના આરોપો સામે વિશેષ કોર્ટનો સંપર્ક કર્યો હતો. એનસીબી અને વાનખેડેએ તેમના સોગંદનામામાં જણાવ્યું હતું કે આ કેસમાં અવરોધ ઉભો કરવા અને તપાસમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ હતો.