દિવાળી પર બિરયાની વેચવા બદલ મુસ્લિમ દુકાનદારને ધમકી અપાઈ? TOP NEWS
દિલ્હીના બુરાડીમાં આવેલા સંતનગર વિસ્તારમાં બિરયાનીની દુકાન ચલાવનારા એક મુસ્લિમ દુકાનદારને ધમકી આપતાં એક ઇસમનો વીડિયો સામે આવ્યો છે.
અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અનુસાર આ વીડિયોમાં એક ઇસમ દુકાનદારને દિવાળી પર દુકાન ખોલવા બદલ ધમકી આપી રહ્યો છે.
દિલ્હી પોલીસે આ વીડિયો પર સંજ્ઞાન લેતાં ઘટનાની એફઆઈઆર નોંધી છે.
આ વીડિયોમાં ધમકી આપનારો ઇસમ પોતાનું નામ નરેશકુમાર સુર્યવંશી બતાવી રહ્યો છે અને પોતાને બંજરગદળનો સભ્ય પણ ગણાવી રહ્યો છે.
વીડિયોમાં તે દુકાનના કર્મચારીઓને તહેવાર પર દુકાન ખોલવા બદલ ધમકી આપતો જોવા મળે છે.
ધમકી બાદ દુકાનના માલિક અને કર્મચારીઓએ દુકાન તત્કાલ બંધ કરી દીધી હતી. આ વીડિયો ગુરુવાર રાતે લગભગ નવ વાગ્યે રેકૉર્ડ કરવામાં આવ્યો છે અને એ બાદ તે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો હતો.
અખબારે એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને લખ્યું છે કે દિલ્હી પોલીસે ધાર્મિક લાગણી દુભાવવા અંગેની કલમ 295એ અંતર્ગત બુરાડી પોલીસ સ્ટેશનમાં મામલો નોંધ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને પૂછપરછ ચાલી રહી છે.
ઇરાકના વડા પ્રધાનના નિવાસસ્થાને વિસ્ફોટક ભરેલા ડ્રોનથી હુમલો
સમાચાર સંસ્થા રૉયટર્સ પ્રમાણે, રવિવારે સવારે એક ડ્રોન હુમલામાં ઇરાકના વડા પ્રધાન અલ-કદીમીના આવાસને નિશાન બનાવવામાં આવ્યુ છે.
ઇરાકી સેનાએ કહ્યું છે કે હુમલો વડા પ્રધાનની હત્યા માટે કરાયો હતો પરંતુ વડા પ્રધાન સુરક્ષિત છે.
ઇરાકી સેનાએ આપેલા અન્ય એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે હુમલો ઇરાકની રાજધાની બગદાદના ગ્રીન ઝોન વિસ્તારમાં થયો છે. સેના તરફથી વિશેષ કોઈ જાણકારી આપવામાં આવી નથી.
ઇરાક સરકારના બે અધિકારીઓએ રૉયટર્સને કહ્યુ છે કે વડા પ્રધાનના નિવાસસ્થાને ઓછામાં ઓછો એક વિસ્ફોટ થયો છે. આ અધિકારીઓએ પણ વડા પ્રધાન સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે.
હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
ગ્રીન ઝોનમાં પશ્ચિમી દેશોના રાજદુતોએ જણાવ્યુ કે તેમણે આ વિસ્તારમાં વિસ્ફોટ અને ગોળીબારનો અવાજ સાંભળ્યો છે.
ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક દિવસથી ગ્રીન ઝોનની બહાર ઈરાન સમર્થિત હથિયારધારી સંગઠનોના સમર્થકો સરકાર સામે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
તેઓ ગત મહિને થયેલી સામાન્ય ચૂંટણીનાં પરિણામોનો વિરોધ કરી રહ્યા છે.
દિલ્હીની હવા સિગારેટના ધુમાડા કરતાં પણ વધુ પ્રદુષિત છે : ડૉ. રણદિપ ગુલેરિયા
https://www.youtube.com/watch?v=ORbDQIcT7wI
'ઇન્ડિયા ટૂડે'ના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે, એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદિપ ગુલેરિયાએ મંગળવારે કહ્યું હતું કે દિલ્હીની હવા સિગારેટના ધુમાડા કરતાં પણ વધુ પ્રદુષિત છે અને પ્રદુષણના ઊંચા સ્તરને કારણે દિલ્હીવાસીઓના આયુષ્યમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ડૉ. ગુલેરિયાએ 'ઇન્ડિયા ટૂડે ટીવી'ને જણાવ્યુ હતું, ' એક અભ્યાસ પ્રમાણે દિલ્હીવાસીઓના આયુષ્યમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, આ ડેટાને પ્રમાણિત કરવાનું બાકી છે પરંતુ પ્રદૂષણથી આવરદા નિશ્ચિતપણે ઘટે છે અને વાસ્તવમાં દિલ્હીવાસીઓનાં ફેફસાં કાળાં થઈ ગયાં છે.'
દિલ્હીમાં પ્રદૂષણમાં દિવાળીના ફટાકડાનું કોઈ યોગદાન નથી એવા દાવાને ફગાવતા ડૉ. ગુલેરિયાએ કહ્યું, "ગંગાના તટીય પ્રદેશોમાં પ્રદૂષણનું સ્તર પહેલેથી જ ઘણુ વધારે છે અને તેમાં દિવાળીના ફટાકડાએ નોંધપાત્ર વધારો કર્યો છે. તહેવારો દરમિયાન વાહનોની અવરજવર વધવાથી પણ પ્રદૂષણ વધે છે."
પ્રદુષણને કોરોના સાથે સાંકળતા ડૉ.ગુલેરિયાએ કહ્યું કે પ્રદુષણના કારણે દર્દીઓનાં ફેફસાંમાં આવેલા સોજામાં વધારો થાય છે.
કોરોના વાયરસ પ્રદૂષણ સાથે ચોંટેલો રહેતો હોઈ કોવિડ વધુ સરળતાથી ફેલાય છે.

- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો