લખનઉ, 2 માર્ચઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા આજે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે વિજય શંખનાદ મહારેલીને સંબોધિત કરવામાં આવી હતી. જેમાં તેમણે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીમાં આકરા પ્રહારો કર્યા હતા. ખાસ કરીને તેમણે મુલાયમ સિંહ યાદવ અને સપા પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું કે, આજે ભાજપની આંધી ચાલી રહી છે, ચૂંટણી જાહેર થતાં જ આ સુનામીમાં પરિવર્તિત થઇ જશે. જેમાં સબકાનો વિનાશ થશે. સ એટલે સપા, બ એટલે બસપા અને કા એટલે કોંગ્રેસ. આજે અમે લખનઉમાં છીએ. જ્યારે લખનઉ આવીએ છીએ તો અટલ બિહારી વાજપાયી, તેમનું નેતૃત્વ આખો સમક્ષ તરી આવી છે. તમે લખનઉવાળા ભાગ્યશાળી છો, કારણ કે તમે અટલજીને તમારા બનાવી લીધા હતા, જીતી લીધા હતા.
લખનઉની ઓળખ અબદ અને તહજીબ તરીકેની રહી છે, પરંતુ ભાઇઓ છેલ્લા કેટલાક વર્ષોથી એવી સરકાર તંબુ નાખીને બેઠી છે કે શાસનમાં બેસેલા લોકોના કારનામા એવા રહ્યા છે કે, જે લખનઉ તહજીબ માટે જાણીતું હતુ, એ લખનઉમાં શાસન કરનારા લોકોએ તેને ભૂલાવી દીધું છે. અહીં તબલાથી થાપ નહીં ગુંડાઓની થપ્પડ બોલે છે, સંગીતના સૂર નહીં બંદૂકોનો અવાજ સંભળાય છે. અમે પણ એ જ છીએ, તમે પણ એજ છો, બદલાય છે રંગ આકાશનો કેવો, અટલજી પણ કહે છે કે દિલ્હીનો રસ્તો લખનઉમાંથી પસાર થાય છે.

શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવી પડશે
આપણા લોકોનું સ્વપ્ન હોવું જોઇએ કે જો ભારતનું ભાગ્ય બદલવું છે તો તેની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવી પડશે. જો દલીતો, પીડિતો, શોષિતોનું કલ્યાણ કરવું છે તે તેની શરૂઆત આ વિશાળ પ્રદેશમાંથી કરવી પડશે. એકવાર યુપી શક્તિશાળી બની ગયું તો હિન્દુસ્તાનને શક્તિશાળી બનાવવામાં વાર નહીં લાગે.

નેતાજીએ હાર સ્વિકારી લીધી
આજે નેતાજીએ પોતાના ભાષણમાં પરાજય સ્વિકારી લીધો છે. તેમણે પોતાના તાજા ભાષણમાં કહ્યું કે, રેલીઓમાં ભીડ એકઠી કરવાનો મુકાબલો ના કરો. તેમાં તેમણે પરાજય સ્વિકારી લીધો છે. તેમણે કહ્યું કે મોદીજી વિકાસના મુદ્દાઓ પર મુકાબલો કરો, તો હું તો પહેલાથી જ કહ્યું કે વોટબેન્ક છોડીને વિકાસનું રાજકારણ કરો. આજે મને ખુશી છે કે નેતાજી પણ વિકાસની ચર્ચા કરવા માટે મજબૂર થયા.

ગુજરાતની ટીકા કરવા કરતા યુપીના વિકાસની વાતો કરો
મોદીએ વધુમાં કહ્યું કે, નેતાજી તમે ગુજરાતની ટીકા કરવા કરતા સારું એ રહેશે કે તમે યુપીના વિકાસની ચર્ચા કરો. યુપીને તમે ક્યાંથી ક્યાં લઇ ગયા છો, એ જણાવો, પરંતુ તમે ગુજરાત અંગે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છો, હું તમને પૂછુ છુ કે આ શહેરને ક્યારે વિજળી મળે છે? ગુજરાત જઇને જુઓ 24 કલાક 365 દિવસ વિજળી મળે છે. તમારે ત્યાં વિજળીમાં પણ રિઝર્વેશન છે, અહીં નેતાજીના વિસ્તારોમાં વિજળી મળે છે, પરંતુ જનતાને નહીં, તમે તમારી તુલના અમારી સાથે કરો છો, શરમથી માથું ત્યારે ઝુકી જાય છે કે તમારા નેતાઓની ગુડાગર્દીના કારણે દેશમાં જે ગંભીર ગુના થાય છે તેમાં 45 ટકા તમારા નાક નીચે થાય છે.

સમાજવાદી પાર્ટી અને સુખવાદી પાર્ટી
સપામાં બે સમૂહો છે. એક સમાજવાદી પાર્ટી અને બીજી સુખવાદી પાર્ટી. જે માત્ર આનંદ લૂંટે છે. નેતાજીએ લોહિયાજીનું નામ લેવાનું બંધ કરવું જોઇએ. સમારોહમાં નૃત્ય અને કેમ્પમાં મોતો જોઇને ડો. લોહિયાને પણ દુઃખ પહોંચ્યું હશે. તમે મોટા દાવા કરો છો, પરંતુ તેને વિકાસના પથ પર લઇ જઇ શકતા નથી. યુપીમાં ઘણું બધુ કરવાની ક્ષમતા છે. આપણે ત્યાં પતંગ ઉદ્યોગ છે. મુસ્લિમ પરિવારમાં તેની સાથે સંકળાયેલો છે, ગુજરાતમાં અમે તેના પર ધ્યાન આપ્યું તો આજે અમે આ ઉદ્યોગને 500 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધો છે.

તમારા નેતાની ભેંસો ખોવાઇ એ ધર્મનિર્પેક્ષતા માટે ખતરો
યુપીમાં તમારા જે નેતાઓ છે તેને જુઓ, એક કોલસા કૌભાંડમાં તો બીજો મોટી મોટી વાતો કરે છે અને વિક્લાંગો પાસેથી પૈસા લે છે. ત્રીજા મંત્રી એવા છે જે કહે છે કે 70 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર એ કંઇ નથી. જે શરમના તમામ સિમાડા તોડી નાખે છે. હું એ વાતની રાહ જોઇ રહ્યો છું કે તમારા નેતા આવીને કહે કે તેમની ભેંસો ખોવાઇ હતી એ ધર્મનિર્પેક્ષતા માટે ખતરો છે. હું રાહ જોઇ રહ્યો છું કે તેઓ આવું કહે.

તેમની ધર્મનિર્પેક્ષતા માત્ર મતોનું રાજકારણ
તેઓ ગભરાયા છે અને તેથી તેઓ નોકરી, પાણી અને મોંઘવારી અંગે બોલવાના બદલે ધર્મનિર્પેક્ષતા પર બોલી રહ્યાં છે. તેઓ ધર્મનિર્પેક્ષતાની ઓથ હેઠળ તેમની નિષ્ફળતાને છૂપાવી રહ્યાં છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. તેમની ધર્મનિર્પેક્ષતા માત્ર મતોનું રાજકારણ છે. અમારા માટે ભારત પહેલા. તેમના માટે આ પાવર છે જ્યારે અમારા માટે સર્વ પંથ સમભાવ.

અમારી પાર્ટી આશાવાદી પાર્ટી છે
અમારી પાર્ટી આશાવાદી પાર્ટી છે. અમારી શક્તિ અને લોકશાહી જુઓ. મારા જેવી એક ગરીબ અને પછાતવર્ગની વ્યક્તિને પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેર કરે છે. હું તમારે સેવક છું અને કોઇ પણ પંજાને દિલ્હીમાં રહેલી તમારી તિજોરી પર નહીં પડવા દઉ. કોઇપણ પંજો સાઇકલ બેસીને આવે કે પછી હાથ પર બેસીને આવે તેને કેન્દ્રની તિજોરી પર બેસવા નહીં દઉ.