શબાના જેવી શિલાઓ જ મોદીની સફળતાની સીડી
અમદાવાદ, 16 ફેબ્રુઆરી : શબાના આઝમી અને નરેન્દ્ર મોદી. એક અભિનેત્રી, બહેતરીન કલાકાર, ઉત્કૃષ્ટ સામાજિક કાર્યકર તેમજ બીજાં રાજકીય નેતા, વિવાદાસ્પદ, પણ અતિ લોકપ્રિય શખ્સ. બંને પોત-પોતાના ક્ષેત્રના ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ. હવે સવાલ ઊભો થાય છે કે આ બંને વચ્ચે પરસ્પર શો વાસ્તો હોઈ શકે? એક અભિનેત્રી અને એક રાજકીય નેતા તરીકે તો કદાચ આ બંને વચ્ચે કોઈ સંબંધ ન હોઈ શકે, પરંતુ જ્યારે બંનેની ભૂમિકાઓ બદલાય, તો સંબંધ આપોઆપ ઊભો થઈ જાય છે. એક સામાજિક કાર્યકરની ભૂમિકામાં શબાના આઝમીનો દેશના એક સૌથી લોકપ્રિય, પણ એક વિવાદાસ્પદ રાજકીય નેતાની ભૂમિકા ધરાવતાં નરેન્દ્ર મોદી સાથે જરૂર વાસ્તો હોઈ શકે. એ વાત ઓર છે કે નરેન્દ્ર મોદીએ પોતાના રાજકીય જીવનમાં ભાગ્યે જ ક્યારેક શબાનાનું નામ લીધું હશે, પણ એક સામાજિક કાર્યકર તરીકે શબાનાનો રોષ તેમના પ્રકારની વિચારસરણી ધરાવનારાઓની દૃષ્ટિએ યોગ્ય પણ છે.
સર્વવિદિત છે કે શબાના આઝમીએ બે દિવસ અગાઉ જ એક નિવેદન આપ્યું કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવા દેવું જોઇએ નહીં, કારણ કે તેમના હાથ 2002ના રમખાણોમાં માર્યા ગયેલ લોકોના લોહીથી ખરડાયેલાં છે. અને આપને એ પણ જણાવી દઇએ કે બૉલીવુડની દુનિયામાં પણ મોદીને ભાંડનાર શબાના પ્રથમ વ્યક્તિ નથી. જાવેદ અખ્તરથી લઈ મહેશ ભટ્ટ સુધી ઘણી એવી હસ્તીઓ છે, તો આમિર ખાન પણ નર્મદા બંધ મુદ્દે મેધા પાટેકરને ટેકો આપી મોદી પ્રત્યે પોતાના અપ્રત્યક્ષ વિરોધ વ્યક્ત કરી ચુક્યાં છે. જોકે તેની કિંમત તરીકે તેમની ફના ફિલ્મ ગુજરાતમાં રિલીઝ નહોતી થઈ શકી.
લોકપ્રિયતા જ લોકશાહીમાં યોગ્યતાનું સર્વોચ્ચ માપદંડ
જોકે શબાના જેવી વિચારસરણી ધરાવનારાઓની આ દેશમાં કોઈ ખોટ નથી અને બીજી બાજુ શબાના જેવી વિચારસરણી ધરાવનારાઓના નિવેદનોથી મોદીના ટેકેદારોની સંખ્યામાં કોઈ ઘટાડો થવાનો નથી. જોકે લોકશાહીમાં લોકપ્રિયતા જ કોઇક નેતાની યોગ્યતાનું સૌથી સર્વોચ્ચ માપદંડ હોય છે અને લોકપ્રિયતા માટે સીડીની જરૂર હોય છે.
હવે વાત જ્યારે સીડીની નિકળી છે, તો નરેન્દ્ર મોદીનું એક નિવેદન ફરી યાદ અપાવી દઇએ. 17મી સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર, 2011 દરમિયાન પોતાના સદ્ભાવના ઉપવાસ વખતે મોદીએ આ નિવેદન આપ્યુ હતું. મોદીએ જણાવ્યુ હતું, ‘‘લોકો જે પત્થરો ફેંકતા રહ્યાં, અમે તે પત્થરો એકઠાં કરતા રહ્યાં અને તેનાથી જ સીડી બનાવી ગુજરાતને આગળ વધાર્યું.''
સલાયા બન્યું પરાકાષ્ઠા
મોદીએ આ નિવેદન આજથી અઢી વરસ અગાઉ આપ્યુ હતું. તે વખત સુધી પણ તેમની ઉપર પત્થરોનો વરસાદ થતો રહ્યો હતો અને ત્યારથી લઈ શબાના આઝમી સુધી આ શિલાવર્ષા આજે પણ ચાલુ જ છે, પરંતુ મોદીનું નિવેદન દર રોજ, દર માસ, દર વર્ષે, દર પાંચ વર્ષે અને છેલ્લા 11 વર્ષોથી સતત સત્ય સાબિત થતું રહ્યું છે અને સાબિતીની આ પરાકાષ્ઠાનું પરિચાયક બન્યું છે સલાયા.
આ સલાયાનું નામ કદાચ 12મી ફેબ્રુઆરી, 2013 અગાઉ ગુજરાતથી બહાર બહુ ઓછા લોકોએ જ સાંભળ્યું હશે. જોકે તેને જ્યારે જામસલાયા તરીકે કહીએ, તો થોડુંક સ્પષ્ટ થાય છે કે તે જામનગર જિલ્લાનો ભાગ છે. ખંભાળિયા તાલુકામાં આવેલ સલાયા એક મહત્વનું બંદર શહેર છે અને ત્યાં મોટાભાગે માછીમારો રહે છે. આ વાત તો એક ઐતિહાસિક દૃષ્ટિકોણે પણ સૌ જાણતાં જ હશે, પરંતુ 12મી ફેબ્રુઆરી, 2013ના રોજ અચાનક સમગ્ર દેશ અને અહીં સુધી કે દુનિયાના અનેક ભાગો સુધી સલાયાની એક નવી ઓળખ સૌની સામે આવી. અચાનક લોકોને ખબર પડી કે સલાયામાં રહેતાં લોકોમાં 90 ટકા મુસ્લિમો છે.
જ્યારે 12મી ફેબ્રુઆરી, 2013ની સવારે અહીંના લોકો દ્વારા બે દિવસ અગાઉ અપાયેલ જનાદેશનો ખુસાલો થયો, તો દેશ અને દુનિયા દંગ રહી ગયાં. ગુજરાત નહીં... ગુજરાત માટે આ કોઈ આશ્ચર્યની વાત નહોતી. સલાયા નગર પાલિકાની ચૂંટણી માટે 10મી ફેબ્રુઆરીએ નંખાયેલ મતોની ગણતરી 12મી ફેબ્રુઆરીએ સવારે શરૂ થઈ અને અહીંની તમામ 27 બેઠકો ભારતીય જનતા પક્ષને હાસલ થઈ. સલાયાનું આ પરિણામ મોદીના હાથોને લોહીથી ખરડાયેલ બતાવનારાઓના મોઢા ઉપર તમાચો હતું. તેવા લોકો માટે પણ પાઠ હતું કે જેઓ ત્રણ માસ અગાઉ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ મુસ્લિમ ઉમેદવાર ઊભા ન રાખવા માટે ભાજપ અને મોદીની સદ્ભાવના સામે પ્રશ્નચિહ્ન લગાવી રહ્યા હતાં, કારણ કે સલાયામાં વિજેતા થયેલ તમામ ભાજપ ઉમેદવારો પણ મુસ્લિમો જ હતાં. તે પણ સ્વાભાવિક છે કે જ્યાં 90 ટકા મુસ્લિમ વસતી હોય, ત્યાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ પણ મુસ્લિમોને જ ઉમેદવાર બનાવ્યાં હશે. આમ છતાં સલાયાની પ્રજાએ ભાજપના ઉમેદવારોને જિતાડ્યાં અને એવાં જિતાડ્યાં કે વિપક્ષમાં કોઈનેય ન રહેવા દીધાં.
શબાના ભૂત, સલાયા ભાવિ
શબાના આઝમીએ પોતાનું આ નિવેદન પણ 12મી ફેબ્રુઆરી બાદ જ કર્યું છે કે મોદીના હાથ લોહીથી ખરડાયેલાં છે. શબાનાની વિચારસરણી ભૂતકાળથી ઘેરાયેલી છે, જ્યારે સલાયાની વિચારસરણી ભવિષ્યની કિરણો દર્શાવે છે. ગુજરાત ખૂબ આગળ નિકળી ચુક્યૂં છે. સાબરમતીમાં ઘણાં પાણી વહી ગયાં છે. ગુજરાતનો જનાદેશ 2002, 2007 અને 2012 ત્રણે ચૂંટણીઓમાં લગભગ સરખો જ રહ્યો છે, પરંતુ મતદારોની વિચારસરણીમાં સતત પરિવર્તન દેખાતું રહ્યું છે. દરેક વખતે મતદારો વધુને વધુ પરિપક્વતા સાથે મોદીને સત્તા ઉપર પાછા લાવતા રહ્યાં છે અને સલાયાએ નરેન્દ્ર મોદીના તે નિવેદનની પરાકાષ્ઠાની પરિચાયકતા પ્રમાણિત કરી આપી છે કે લોકોએ તેમની સામે જેટલા પત્થરો ફેંક્યા, તે પત્થરો વડે જ તેમણે પોતાની સફળતાની સડી બનાવી. એ બાબતમાં કોઈ બેમત નથી કે શબાના આઝમી એક બહેતરીન અભિનેત્રી અને એક ઉમદા સામાજિક કાર્યકર છે, પરંતુ એક સામાજિક કાર્યકરની વિચારસરણી જો પૂર્વાગ્રહથી પીડાતી હોય, તો પછી તેની સામાજિક કાર્યકર તરીકેની શ્રેણી આપોઆપ જ પ્રભાવિત થઈ શકે છે.
અમેરિકી સંસદથી યૂરોપિયન કમીશન સુધી ગૂંજ
પત્થર ઝીલવા માટે ટેવાઈ ચુકેલા મોદી આજે લોકપ્રિયતાના શિખરે છે, તો તેનું કારણ એ છે કે તેમણે હકીકતમાં લોકોના પત્થરો વડે પોતાની સફળતાની સડી બનાવી. મણિનગરથી માંડી અમદાવાદ-ગાંધીનગર, ગાંધીનગરથી માંડી દિલ્હી અને દિલ્હીથી માંડી બ્રિટન-અમેરિકા સુધી જો મોદીનું નામ ગાજતું હોય, તો શબાનાઓ દ્વારા ફેંકાયેલી આવી શિલાઓના કારણે જ અને જ્યાં સુધી આ શિલાઓ મોદી ઉપર ફેંકાતી રહેશે, સલાયાની જેમ તેમને સીડી રૂપી સફળતા મળતી જ રહેવાની છે. સલાયાની વાત તો હજી ચાર દિવસ જૂની થઈ ગઈ છે. થોડાંક કલાકો અગાઉની જ વાત કરીએ, તો અમેરિકી સંસદમાં પણ મોદીનું નામ ગાજ્યું, તો તેનાથી થોડાંક કલાક અગાઉ યૂરોપિયન કમિશને મોદીના વખાણ કર્યાં અને તેનાથી થોડાંક કલાકો અગાઉ એવાં પણ સમાચાર આવ્યા હતાં કે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના વિકાસ સંબંધી પ્રવચનમાં મોદીની નકલ કરી. હવે જો તેમાં થોડીક પણ સત્યતા હોય, તો પછી મોદીનું તે કથન કેમ ન સાચું ઠરે કે જેમાં તેઓ સામાન્ય રીતે કહેતાં હોય છે કે મને અમેરિકી વીઝા મળે કે ન મળે, તેની પરવા નથી. હું તો તેવો દિવસ જોવા માંગુ છું કે જ્યારે અમેરિકાના લોકો ભારતના વીઝા પામવા માટે લાઇનો લગાવે.