
નેશનલ હેરાલ્ડ કેસઃ EDએ રાહુલ ગાંધીની 10 કલાક સુધી કરી પૂછપરછ, આજે ફરીથી બોલાવ્યા
નવી દિલ્લીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની ઈડીએ સોમવારે 10 કલાકથી વધુ પૂછપરછ કરી. આ ઉપરાંત તેમને મંગળવારે પણ તપાસ એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યા છે. રાહુલ ગાંધીની સોમવારે સવારે લગભગ ત્રણ કલાક પૂછપરછ થઈ હતી અને ત્યારબાદ તે પોતાની મા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા સર ગંગારામ હોસ્પિટલમાં ગયા હતા. ત્યારબાદ તેઓ ઈડીના કાર્યાલય બીજા દોરની પૂછપરછ માટે પહોંચ્યા હતા જે લગભગ સાત કલાક સુધી ચાલી. રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ છાપા સાથે જોડાયેલ કથિત મની લૉન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી ઉપરાંત સોનિયા ગાંધીને પણ ED દ્વારા આ મહિને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. યંગ ઈન્ડિયન પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ ઈન્કમટેક્સ વિભાગના તપાસ રિપોર્ટને ટ્રાયલ કોર્ટે સંજ્ઞાન લીધા બાદ ઈડીએ આ નેતાઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ કેસમાં છેતરપિંડી અને યંગ ઈન્ડિયા દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના અધિગ્રહણમાં ક્રિમિનલ બ્રીચ ઑફ ટ્ર્સ્ટ જેવા આરોપ પણ લાગ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે આ તપાસ ભાજપની પ્રતિશોધની રાજનીતિનો એક ભાગ છે. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે સોમવારે સવારે રાહુલ ગાંધીને સવાલ-જવાબ થયા હતા.
દિલ્હી પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓને વિરોધ માર્ચ કરવા દીધી ન હતી અને તેઓને સ્થળે જગ્યાએથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. કોંગ્રેસે દેશભરમાં આવેલી EDની 25 ઓફિસો સામે પ્રદર્શન કરવાની યોજના બનાવી હતી. પોલીસે ઈડી ઓફિસની આસપાસ નાકાબંધી કરી દીધી હતી. રાહુલ ગાંધી અંદર ગયા બાદ કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ બહાર ધરણા પર બેસી ગયા હતા. થોડા સમય પછી પી ચિદમ્બરમ, અધીર રંજન ચૌધરી, કેસી વેણુગોપાલ, દીપેન્દ્ર હુડ્ડા અને જયરામ રમેશ વગેરે જેવા કોંગ્રેસના ઘણા નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને બસોમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.
એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલને બળજબરીથી ઉપાડી બસમાં લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે દિલ્હી પોલીસ દ્વારા ધક્કો મારવાને કારણે ચિદમ્બરમની પાંસળી તૂટી ગઈ છે. સુરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના અન્ય નેતા પ્રમોદ તિવારીને રસ્તા પર ફેંકવામાં આવ્યા હતા અને તેમને માથામાં ઈજા થઈ હતી. દિલ્હી પોલીસનુ કહેવું છે કે ED સમક્ષ રાહુલ ગાંધીની હાજરીના વિરોધમાં માર્ચ દરમિયાન કોંગ્રેસના 459 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તેમાં 26 સાંસદો અને 5 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસનુ કહેવુ છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન મારપીટ અને ઇજાઓના આરોપોની તપાસ કરવામાં આવશે.