'આજે બાલાસાહેબ ઠાકરે હોત તો આવુ ન થાત', વાનખેડેની પત્નીએ CM ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને માંગ્યો ન્યાય
મુંબઈઃ હાઈ પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન ઘણા અલગ-અલગ વળાંકો આવી રહ્યા છે. એક તરફ સાક્ષીઓના વસૂલીના આરોપો વચ્ચે એનસીબીની ડીડીજી જ્ઞાનેશ્વર સિંહ સહિત 5 સભ્યોની ટીમ મુંબઈ પહોંચીને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહી છે તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક એનસીબીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવીને ઘણા ચોંકાવનારા દાવા કરી રહ્યા છે. આ બધા વચ્ચે ગુરુવારે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે.
વાસ્તવમાં એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિશે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક પર નવો આરોપ લગાવીને તેમનુ કથિત નિકાહનામુ જાહેર કર્યુ છે. આ સાથે આરોપ લગાવ્યો કે તે એજન્સીમાં વસૂલી ગેંગ પણ ચલાવે છે. ત્યારબાદ આ મામલો તપાસથી હટીને કોઈ બીજી દિશામાં જઈ રહ્યો છે. આ તરફ ક્રાંતિ રેડકર વાનખેડેએ સીએમ ઉદ્ધવ ઠાકરેને મોકલેલા પત્રમાં લખ્યુ કે, 'અમને રોજ લોકો સામે અપમાનિત કરવામાં આવી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યમાં એક મહિલાની ગરિમા સાથે રમત રમવામાં આવી રહી છે. જો બાલાસાહેબ આજે અહીં હોત તો તેમના સારુ ના લાગત..'
પોતાના પત્રમાં ક્રાંતિ રેડકર વાનખેડેએ આગળ લખ્યુ કે, 'બાલાસાહેબ આજે અહીં નથી પરંતુ તમે છો. અમે તમારામાં એમને જોઈએ છીએ, અમને તમારા પર ભરોસો છે. મને વિશ્વાસ છે કે તમે મારા અને મારા પરિવાર સાથે અન્યાય નહિ થવા દો. એક મરાઠી તરીકે હું ન્યાયની આશા સાથે તમારા તરફ જોઉ છુ. હું તમારી પાસે ન્યાયનો અનુરોધ કરુ છુ.' આ સાથે મુંબઈ એનસીબીના ઝોનલ નિર્દેશક સમીર વાનખેડેની પત્ની કહ્યુ કે, 'મે તેમને મળવા માટે સમય માંગ્યો છે. મને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી મળી, હું જવાબની રાહ જોઈ રહી છુ.'