
બુલ્લી બાઈ એપના માસ્ટર માઈન્ડ નીરજ બિશ્નોઈએ આપઘાતની કોશિશ કરી
બુલ્લી બાઈ એપના માસ્ટરમાઈન્ડ નીરજ બિશ્નોઈ હાલ દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. રિપોર્ટ મુજબ નીરજ બિશ્નોઈએ જેલમાં બે વખત આપઘાત કરવાની કોશિશ કરી છે. જે બાદ પોલીસે નીરજનું તબીબી પરિક્ષણ કરાવ્યું જેથી તે સુરક્ષિત છે તેની પુષ્ટિ કરી શકાય. હાલ નીરજની હાલત સ્થિર છે. આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે નીરજની યોજના હોય શકે કે તે તપાસને આગળ વધતી અટકાવી શકે. પરંતુ મામલાની સંવેદનશીલતાને જોતાં અધિકારી પૂરી સુરક્ષા અને સાવધાની સાથે પૂછપરછ કરી રહ્યા છે અને મામલાની તપાસ કરી રહ્યા છે.
તપાસ એજન્સીએ જણાવ્યું કે નીરજ બિશ્નોઈ અવારનવાર કેટલીય વેબસાઈટ હેક કરતો રહેતો હતો. તેણે કેટલીય વેબસાઈટ હેક કરી હતી. તે માત્ર 15 વર્ષની ઉંમરથી જ આ રવાડે ચડી ગયો હતો. ઈન્ટેલિજેંસ ફ્યૂજન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશંસના ડીસીપી કેપીએસ મલ્હોત્રા જે આ સમગ્ર મામલાના મુખિયા છે તેમણે કહ્યું કે અગાઉ પણ નીરજે ભારત અને પાકિસ્તાનની કેટલીય શાળાઓ અને વિશ્વવિદ્યાલયોની વેબસાઈટ હેક કરી છે. તેના આ દાવાની અમે તપાસ કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે ઉત્તરાખંડની 18 વર્ષની શ્વેતા ઝાની પણ ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે નીરજે શ્વેતા ઝાના ટ્વિટર અકાઉન્ટથી ટ્વીટ કરી મુંબઈ પોલીસને પડકાર ફેંક્યો હતો કે તેઓ ધરપકડ કરીને દેખાડે. પૂછપરછ દરમિયાન દિલ્હી પોલીસને જાણવા મળ્યું કે આ ટ્વીટર આઈડી ગેમિંગ કેરેક્ટર GIYU સાથે જોડાયેલ છે, જેનો નીરજ બહુ શોખીન છે. સૂત્ર મુજબ નીરજે સ્વીકાર્યું કે તેણે એવા લોકો સાથે સોશિયલ મીડિયા મારફતે વાત કરી છે જેમની મુંબઈ પોલીસે ધરપકડ કરી હોય. તેણે ટ્વિટર ગ્રુપ ચેટ દ્વારા આ લોકો સાથે વાત કરી હતી. બિશ્નોઈએ એમ પણ જણાવ્યું કે તે ટ્વિટર હેન્ડલ @sullidealsના સંપર્કમાં હતો, જેણે સુલ્લી એપ બનાવી હતી. ડીસીપી કેપીએસ મલ્હોત્રાએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે નીરજ બિશ્નોઈ સુલ્લી ડીલ મામલે જોડાયેલો હોવાના અમારી પાસે સબૂત છે.