મુંબઈમાં દાઉદ ઈબ્રાહીમના સહયોગીઓની એક ડઝનથી વધુ જગ્યાઓએ NIAની રેડ
નવી દિલ્લીઃ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે NIAએ મુંબઈમાં પાકિસ્તાનના ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમના સહયોગીઓની જગ્યાઓ પર રેડ પાડી છે. લગભગ એક ડઝનથી વધુ જગ્યાઓ પર રેડ ચાલી રહી છે. આ રેડ દાઉદના સહયોગીઓ અને હવાલા ઑપરેટર્સ સામે કરવામાં આવી રહી છે. રેડ દાઉદના સહયોગીઓની જગ્યાઓ પર ચાલી રહી છે. રિપોર્ટ મુજબ રેડ નાગપાડા, ગોરેગાંવ, બોરિવલી, સાંતાક્રૂઝ, મુંબ્રા, ભિંડી બજાર અને અન્ય જગ્યાઓ પર ચાલી રહી છે. ઘણા હવાલા ઑપરેટર્સ અને ડ્રગ સપ્લાયર્સ કે જ દાઉદના સહયોગી છે તેમની સામે એનઆઈએએ ફેબ્રુઆરીમાં આ મામલે કેસ નોંધ્યો હતો. એનઆઈએએ જણાવ્યુ કે આજે આ રેડ પાડવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાયેલા કેસોની તપાસ એનઆઈએને સોંપી હતી. દાઉદ ઈબ્રાહીમ અને તેની ડી કંપની પર ભારતમાં ટેરર ફંડિંગ, નાર્કો ટેરર, ડ્રગ્સની દાણચોરી અને નકલી ચલણનો આરોપ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દાઉદ ઈબ્રાહીમ અને ડી કંપનીને લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે મળીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે દોષી ઠેરવ્યા છે. દાઉદ ઈબ્રાહીમ અને ડી કંપની ઉપરાંત એનઆઈએ છોટા શકીલ, જાવેદ ચિકના, ટાઈગર મેમણ, ઈકબાલ મિર્ચી(મૃતક), દાઉદની બહેન હસીના પારકર(મૃતક) સાથે સંબંધિત કેસોની પણ તપાસ કરશે.