હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકાર સામે કોંગ્રેસનો અવિશ્વાસ પ્રસ્તાવ ફેલ
હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકાર સામે વિધાનસભામાં કોંગ્રેસનો અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ સાબિત થયો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર દિવસભર વિધાનસભામાં ચર્ચા થઈ જે બાદ ખટ્ટર સરકારે વિશ્વાસ મત હાંસલ કરી લીધો. ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદા વિરુદ્ધ પાછલા લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે કોંગ્રેસે દાવો કર્યો હતો કે હરિયાણા સરકાર પાસે બહુમત નથી. વિપક્ષના નેતા અને પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે સીએમ મનોહર લાલ ખટ્ટર જનતા અને પોતાના ધારાસભ્યનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે.
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ બુધવારે સવારે હરિયાણા વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો, જેના પર સ્પીકરે પહેલા 2 કલાક અને બાદમાં 3 કલાક સુધી ચર્ચાની મંજૂરી આપી. આ દરમ્યાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનમાં દિલ્હીની સીમાઓ પર 250થી વધુ ખેડૂતોના મોત થઈ ચૂક્યાં છે. સદનમાં તેમના નામ રજૂ કર્યાં પરંતુ મને સમાચાર પત્રોમાં તેમના નામ ના મળ્યાં. ભૂપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે મનોહર લાલ ખટ્ટર સરકાર પાસે બહુમત નથી, પરંતુ આ સરકાર જનનાયક જનતા પાર્ટી ઉપર ટકી છે. જે બાદ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ગુપ્ત મતદાનની માંગ કરી.
જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મનોહર લાલ ખટ્ટરે કહ્યું, 'અમે વિપક્ષનો વિશ્વાસ ક્યારેય નહિ જીતીએ, પરંતુ જનતાનો વિશ્વાસ જરૂર જીતશું. હું કોંગ્રેસના નેતાઓને અનુરોધ કરું છું કે 6 મહિના બાદ સરકાર સામે ફરીથી અવિશ્વાસ મત લાવે. કોંગ્રેસ પાર્ટીની આ જૂની સંસ્કૃતિ છે કે જ્યારે કોઈ વાત પસંદ ના આવે તો તેને લઈ લોકોમાં અવિશ્વાસ પેદા કરી દો. કોંગ્રેસ અને તેના નેતા કૃષિ કાયદાને લઈ ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. કૃષિ કાયદા એ લોકોએ જ સંસદમાં બનાવ્યા છે, જેમને જનતાએ ચૂંટીને સંસદમાં મોકલ્યા.'