આસારામને રાહત નહીં: જ્યુડિશિયલ કસ્ટડી 25 ઓક્ટોબર સુધી લંબાવાઇ
જોધપુર, 11 ઓક્ટોબર : એક કિશોરી સાથે શારીરિક શોષણ અને બળાત્કાર કેસમાં હાલ જોધપુર જેલમાં બંધ આસારામને શુક્રવારે પણ કોઇ પ્રકારની રાહત મળી ન હતી. રાજસ્થાનની હાઇકોર્ટે આજે આસારામની અરજી ફગાવી દેતા તેમની જ્યુડિશિયલ કસ્ટડી 25 ઓક્ટોબર સુધી વધારવામાં આવી છે. એટલે આસારામે 25 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેવું પડશે.4
આ પહેલા આસારામે રાજસ્થાન હાઇકોર્ટમાં એફઆઇઆર રદ કરાવવાની અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મારા વિરુદ્ધ ષડયંત્ર રચીને પબ્લિસિટી મેળવવા માટે એફઆઇઆર નોંધાવવામાં આવી છે. બીજી તરફ ગુજરાતની સુરત પોલિસે કોર્ટ સમક્ષ બે બહેનોના રેપ કેસમાં આસારામના ટ્રાન્ઝિટ રિમાન્ડ આપવાની માંગણી કરી છે.
સુરત પોલીસ જોઘપુર પહોંચી ચૂકી છે. જો કોર્ટ ટ્રાન્ઝિટ રિમાન્ડને મંજૂરી આપશે તો આસારામને લઇને સુરત પોલીસ સુરત પરત આવશે. ઉલ્લેખનીય છે કે આસારામ જેલમાં બંધ છે અને તેમના દીકરા નારાયણ સાંઇ વિરુદ્ધ પણ બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ તેઓ ગાયબ થઇ ગયા છે.
કોર્ટે ગુરુવારે આસારામના ચેલાઓ સંચિતા ગુપ્તા ઉર્ફે શિલ્પી, શિવાની જામીન અરજી ફગાવી દીધી હતી.