દિલ્હીમાં પ્રદૂષણથી નીપટવા ઓડ-ઈવન લાગુ થઈ શકે, DTC અને મેટ્રોની ફિક્વન્સી વધશે!
નવી દિલ્હી, 13 નવેમ્બર : રાજધાની દિલ્હીમાં દિવાળી પછી શરૂ થયેલો પ્રદૂષણનો કહેર હજુ પણ યથાવત છે. દિલ્હીના લોકો ઝેરી હવા શ્વાસ લેવા માટે મજબૂર છે. શુક્રવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં હવાની ગુણવત્તા સૂચકાંક ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવી ગયો હતો. આ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે દિલ્હી સરકારના તમામ પ્રયાસો રાજધાનીને વહેલી તકે પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ચાલુ છે. આ સ્થિતિમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ કરવાના સંકેત આપ્યા છે. ગોપાલ રાયે કહ્યું છે કે દિલ્હીની સ્થિતિને જોતા ઓડ-ઈવન ફોર્મ્યુલા લાગુ કરવી એ છેલ્લો ઉપાય નજર આવી રહ્યો છે.
ગોપાલ રાયે કહ્યું છે કે અમે દિલ્હીમાં મેટ્રો અને ડીટીસી બસોની ફ્રિકવન્સી વધારવા માટે સૂચના આપી છે, અમે લોકોને વધુમાં વધુ જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ કરીએ છીએ. ગોપાલ રાયે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રદૂષણ મુદ્દે શનિવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ માટે અમે અન્ય પાર્ટીઓને પણ આમંત્રણ આપ્યું છે. આ સંયુક્ત બેઠકમાં પ્રદૂષણ સામે લડવા અંગે ચર્ચા કરવામાં આવશે.
આ દરમિયાન ગોપાલ રાયે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હી સરકારે પ્રદૂષણ મુદ્દે અત્યાર સુધી ઘણું કામ કર્યું છે, પરંતુ અમને એ સમજાતું નથી કે કેન્દ્ર હજુ સુધી આ મુદ્દે મૌન કેમ છે. ગોપાલ રાયે કહ્યું કે પ્રદૂષણનો સામનો કરવા માટે અમે ધૂળ-વિરોધી અભિયાન ચલાવ્યું અને 2,500 સ્થળોનું નિરીક્ષણ કર્યું. આ ઉપરાંત, દિલ્હી સરકારે વાહનોના પ્રદૂષણનો સામનો કરવા માટે રેડ લાઇટ ઓન, કાર બંધ અભિયાન શરૂ કર્યું છે. તેમજ બાયોમાસ બાળવા પર પ્રતિબંધ મુકવા માટે 550 લોકોને તૈનાત કરવામાં આવ્યા છે. પરાળી સળગતી અટકાવવા માટે બાયો ડીકમ્પોઝર આપવામાં આવે છે.