ગુજરાતમા ફસાયેલા ઓરિસ્સાના મજૂરોની વતન વાપસી થશે, રૂપાણી સાથે નવીન પટનાયકે કરી વાત
દેશભરમા કોરોના વાયરસને પગલે લૉકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉનને પગલે હજારો મજૂરો પોતાના ઘરથી દૂર ફસાઈ ગયા છે. ત્યારે ઓરિસ્સાની નવીન પટનાયક સરકારે પોતાના રાજ્યમાંથી સ્થળાંતરિત થયેલા મજૂરોની વતનવાપસી માટે યોજના બનાવી છે. તેમની સુરક્ષિત વતન વાપસી માટે નવીન પટનાયકે રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા પણ કરી હતી.
જણાવી દઈએ કે રવિવારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, નવીન પટનાયક અને ગુજરાતની સીએમ વિજય રૂપાણી વચ્ચે વીડિયો કોન્ફરન્સથી થયેલ મીટિંગ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓરિસ્સાના સ્થળાંતરિત મજૂરોને ગુજરાતમાંથી ઓરિસ્સા સુરક્ષિત રીતે પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટાભાગના કામદારોને બસ મારફતે ઓરિસ્સા મોકલવામાં આવશે. રિવ્યૂ બાદ ગુજરાત અને ઓરિસ્સા સરકાર મજૂરોને દરિયાઈ કે રેલ મારફતે ટ્રાન્સપોર્ટ કરવાના વિકલ્પ પર પણ વિચારશે.
ઉદ્યોગો અને MSMEs પાછા ટ્રેક પર લાવવા ઓરિસ્સા સરકારે આંતર-મંત્રીમંડળ સમિતિની રચના કરી.
અગાઉ ઓરિસ્સા સરકારે આ સ્થળાંતરિત મજૂરો માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું જેથી તેમને 14 દિવસ સુધી હોમ ક્વારંટાઈનમાં રાખી શકાય. રજિસ્ટ્રેશનની ખાતરી કરવા માટે તાજેતરમાં જ ઓરિસ્સાના દરેક ગામના સરપંચોને કલેક્ટરનો પાવર સોંપવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં વિવિધ રાજ્યોના મજૂરોએ પોતાના ઘરે પાછા જવા માટે ઉગ્ર દેખાવા કર્યા હતા, સુરતમાં મજૂરોએ એકઠા થઈ હિંસાત્મક કૃત્યો પણ કર્યા હતા. જેમાના કેટલાયની ગુજરાત પોલીસે ધરપકડ પણ કરી લીધી હતી અને બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.