• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PMને સંબોધીને 500 અબજ ડૉલરના રોકાણની જાહેરાત કરનારી કંપનીની ઑફિસ જ ક્યાંય નથી? BBC Investigation

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

આર્થિક મામલાઓ પર જાણકારી આપનારા ભારતના સૌથી મોટા અખબાર 'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ' અને જાણીતા અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં ગત સોમવારે પ્રથમ પાને છપાયેલી એક બિનમામૂલી જાહેરાત ઘણી બધી રીતે સનસનાટીભરી અને ચોંકાવનારી હતી.

આ જાહેરાત સીધી દેશના વડા પ્રધાનને સંબોધિત હતી. જેમાં વિજ્ઞાપન આપનારી કંપનીએ જણાવ્યું હતું કે તે ભારતમાં 500 અબજ ડૉલરનું રોકાણ કરવા માગે છે.

500 અબજ ડૉલર એટલે લગભગ 36 લાખ કરોડ રૂપિયા.

આ રકમ કેટલી મોટી છે એ તમે એ વાત પરથી સમજી શકો છો કે ભારતમાં ગયા વર્ષે અમેરિકાથી કુલ મૂડીરોકાણ સાત અબજ ડૉલર હતું, એટલે એકલી કંપની જેનું નામ પહેલાં ક્યારેય સાંભળવા નથી મળ્યું તે ભારતમાં કુલ અમેરિકન રોકાણ કરતાં 71 ગણા વધુ રોકાણ એકલાહાથે કરવાની વાત કરી રહી હતી.

પ્રથમ પાને લાખો રૂપિયાનો ખર્ચ કરીને વિજ્ઞાપન આપનારી આ કંપનીનું નામ હતું- લૅન્ડમસ રિયાલિટી વેન્ચર ઇન્ક. આ વિજ્ઞાપન સાથે લૅન્ડમસ ગ્રૂપના ચૅરમૅન પ્રદીપકુમાર એસનું નામ અપાયું હતું.

તોતિંગ રકમ, સીધું વડા પ્રધાનને સંબોધન અને વિજ્ઞાપન દ્વારા રોકાણનો પ્રસ્તાવ, બધું જ અસામાન્ય હતું. તેથી બીબીસીએ આ વિજ્ઞાપન જારી કરનારી કંપની વિશે તપાસ કરી.


તપાસમાં શું જાણવા મળ્યું?

બીબીસીએ સૌથી પહેલાં કંપનીની વેબસાઇટ https://landomus.com તપાસી.

સેંકડો અબજ ડૉલરનું રોકાણ કરવાનો દાવો કરનારી કંપનીના પેજ પર એ જ તમામ વાતો લખેલી હતી જે કંપનીએ પોતાના સોમવારે આપેલા વિજ્ઞાપનમાં લખી હતી.

સામાન્યપણે મામૂલી કંપનીઓની વેબસાઇટ પર પણ 'અબાઉટ અસ' અને કંપનીના કામકાજની વિગત હોય છે.

સાથે જ કંપની કેટલાં ક્ષેત્રોમાં સક્રિય છે, તેનું પાછલાં વર્ષોમાં કેવું પ્રદર્શન રહ્યું છે, એ પ્રકારની જાણકારીઓ અપાઈ છે.

ન્યૂજર્સીની ગગનચુંબી ઇમારતોની તસવીરોને પોતાની કવર ઇમેજ બનાવનારી કંપનીની વેબસાઇટ પર ટીમના નામે કુલ દસ લોકોની તસવીર, નામ અને પદ લખેલાં હતાં. પરંતુ તેમના વિશે બીજી કોઈ પણ જાણકારી નહોતી.

સાઇટ પ્રમાણે કંપનીના ડિરેક્ટર અને ઍડવાઇઝરનું નામ છે - પ્રદીપકુમાર સત્યપ્રકાશ (ચૅરમૅન, સીઇઓ). મમતા એચએન (ડિરેક્ટર), યશહાસ પ્રદીપ (ડિરેક્ટર), રક્ષિત ગંગાધર (ડિરેક્ટર) અને ગુનાશ્રી પ્રદીપ કુમાર.

ઍડવાઇઝરોનાં નામ છે પામેલા કિઓ, પ્રવીણ ઑસ્કર શ્રી, પ્રવીન મુરલીધરણ. એવીવી ભાસ્કર અને નવીન સજ્જન.

કંપનીની વેબસાઇટ પર ન્યૂજર્સી, અમેરિકાનું સરનામું આપવામાં આવ્યું છે. પરંતુ કોઈ ફોન નંબર નથી અપાયો.

વધુ એક અસામાન્ય વાત એ પણ છે કે અન્ય કંપનીઓની જેમ જૂના પ્રોજેક્ટ કે વિઝન આ કંપનીની વેબસાઇટ પરથી ગાયબ હતાં.


ડ્રેસ તો છે, પણ ઑફિસ નહીં

બૅંગ્લુરૂમાં પણ લૅન્ડમસ રિયાલિટીની કોઈ ઑફિસ ન હોવાનું સામે આવ્યું

એકમાત્ર મહત્ત્વપૂર્ણ જાણકારી જે આ વેબસાઇટ પર આપવામાં આવી હતી એ હતી તેનું સરનામું. જે કંઈક આ પ્રમાણે હતું - લૅન્ડમસ રિયાલિટી વેન્ચર ઇન્ક, 6453, રિવરસાઇડ સ્ટેશન બુલેવર્ડ, સકૉકસ, ન્યૂ જર્સી - 07094, અમેરિકા.

બીબીસીના સહયોગી સંવાદદાતા સલીમ રિઝવી આ સરનામે પહોંચ્યા અને તેમને જાણવા મળ્યું કે આ સરનામે એક રહેઠાણની ઇમારતી હતી, ત્યાં લૅન્ડમસ રિયાલિટી કે કોઈ પણ અન્ય કંપનીની ઑફિસ નહોતી.

બીબીસીએ આ બિલ્ડિંગનો ડેટા રાખનારાં મહિલા કર્મચારીથી પણ પુછ્યું કે શું આ સરનામે લૅન્ડમસ રિયાલિટી નામની કોઈ ઑફિસ રજિસ્ટર્ડ છે કે ક્યારેક ભૂતકાળમાં તે ઑફિસ અહીં હતી. તેના જવાબમાં તેમણે કહ્યું કે ત્યાં આવી કોઈ ઑફિસ પહેલાં ક્યારેય નહોતી.

જોકે, પ્રાઇવસીના કારણે તેમણે એ ન જણાવ્યું કે આ સરનામે અન્ય કોણ રહી રહ્યું છે અને તેમનું શું નામ છે.

પરંતુ આનાથી એક વાત તો સ્પષ્ટ છે કે ન્યૂજર્સીના જે સરનામાનો ઉપયોગ લૅન્ડમસ રિયાલિટી વૅન્ચરે પોતાની વેબસાઇટ પર કર્યો છે ત્યાં કોઈ ઑફિસ નથી.

બીબીસીએ વેબસાઇટ પર અપાયેલા ઇમેઇલ ઍડ્રેસ પર પ્રશ્નોની એક યાદી લૅન્ડમસ રિયાલિટી વૅન્ચરના નામથી મોકલી હતી, જેનો કંપનીના સીઈઓ પ્રદીપ કુમાર સત્યપ્રકાશે અત્યંત નાનો જવાબ વાળ્યો છે.

તેમણે પોતાના જવાબમાં લખ્યું છે કે, "અમે ભારત સરકારને પોતાની માહિતી મોકલી છે અને અમે તેમની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છીએ. જ્યારે અમને જવાબ મળશે ત્યારે અમે એ માહિતી તમને ફોરવર્ડ કરીશું અને તમામ જાણકારી પણ સાર્વજનિક કરીશું."

ભારત સરકારે આટલા મોટા મૂડી રોકાણના આ સાર્વજનિક પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા નથી આપી, ના તો કોઈ પ્રકારની સરકારી જાહેરાત કે ટિપ્પણી કરી છે.

કંપનીની ઑફિસના ઍડ્રેસના વિશે પૂછાયેલા સવાલનો જવાબ આપતાં કંપનીના સીઈઓએ લખ્યું કે, "તમારી જાણ માટે, મેં અમેરિકાના ન્યૂજર્સીમાં એક ઘર ભાડે રાખ્યું છે."

સેંકડો અબજ ડૉલરનું મૂડી રોકાણ કરવાનો પ્રસ્તવા મૂકનારી કંપનીની કોઈ ઑફિસ નથી અને તે એક રહેવાસી વિસ્તારમાં પોતાની કંપનીની ઑફિસ હોવાની વાત ઘણી અસામાન્ય છે.


સરવૈયું અપડેટ નથી

કંપનીની વેબસાઇટ વિશે જ્યારે અમે તપાસ કરવાનું શરૂ કર્યું તો ખબર પડી કે વેબસાઇટ સપ્ટેમ્બર 2015માં કર્ણાટકમાં બની છે અને ઑર્ગેનાઇજેશનના નામ પર યુનાઇટેડ લૅન્ડ બૅંકનું નામ આપવામાં આવ્યું છે.

ત્યાર બાદ લૅન્ડમસ રિયાલિટી વેન્ચર વિશે શોધવાનું શરૂ કર્યું તો કૉર્પોરેટ મંત્રાલયના હવાલાથી મળેલી જાણકારી મળી કે જુલાઈ 2015માં લૅન્ડમસ રિયાલિટી વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ નામથી એક કંપની બૅંગ્લુરૂમાં રજિસ્ટર કરાઈ હતી.

તેની પેઇડ અપ કૅપિટલ એક લાખ રૂપિયા છે. તેનાથી જ અંદાજ આવી જાય છે કે આ કંપની કેટલી મોટી છે અને તેની પાસે કેટલાં સંસાધન છે.

સપ્ટેમ્બર 2018માં કંપનીની અંતિમ વાર્ષિક સામાન્ય બેઠક થઈ હતી અને કૉર્પોરેટ કાર્યમંત્રાલયના આંકડા જણાવે છે કે 31 માર્ચ 2018 બાદ આ કંપનીએ પોતાનું સરવૈયું અપડેટ નથી કર્યું.


ભારતમાં પણ ઑફિસ નહીં

કંપનીના કાગળથી બૅંગ્લુરૂનું એક સરનામું મળ્યું હતું. આ સરનામું કંઈક આ પ્રમાણે હતું એસ - 415, ચોથો માળ, મનિપાલ સેન્ટર, ડિક્સન રોડ, બૅંગ્લુરૂ.

આ સરનામે બીબીસીના સહયોગી સંવાદદાતા ઇમરાન કુરેશીને જાણવા મળ્યું કે ચોથા માળે એસ - 415માં લૅન્ડમસ રિયાલિટી વેન્ચરની ઑફિસ નથી અને તેના સ્થાને એક ટેક કંપનીની ઑફિસ છે. આટલું જ નહીં ચોથા માળે ક્યાંય લૅન્ડમસ રિયાલિટીની ઑફિસ નથી.

એટલે કે બંને લોકેશન બૅંગ્લુરૂ અને ન્યૂજર્સીમાં ક્યાંય પણ લૅન્ડમસ રિયાલિટી વેન્ચરની કોઈ ઑફિસ છે જ નહીં. ત્યાર બાદ અમે કંપનીની વેબસાઇટ પર જે લોકોનાં નામ છે તેમના વિશે તપાસ કરવાનું શરૂ કર્યું.

જે બે સભ્યોનાં નામ અને તસવીરો વેબસાઇટ પર આપવામાં આવ્યાં હતાં તેઓ પૈકી એક બિન-ભારતીય મહિલાને કંપનીનાં ઍડવાઇઝર ગણાવાયાં છે, તેમનું નામ છે પામેલા કિઓ.

આ નામને સર્ચ કરીને અમે એક લિંક્ડઇન પ્રોફાઇલ સુધી પહોંચ્યા.

આ પ્રોફાઇલ પામ કિઓ નામનાં એક મહિલાની છે જેઓ અમેરિકાના કનેક્ટિકટસ્થિત 'મેક અ વિશ ફાઉન્ડેશન'નાં અધ્યક્ષ અને સીઈઓ છે. આ મહિલાનું નામ અને તસવીર લગભગ લૅન્ડમસ રિયાલિટીની વેબસાઇટ પર ઍડવાઇઝર તરીકે દર્શાવેલાં પામેલાં કિઓ સાથે મળતાં આવતાં હતાં.

અમે કિઓનો આ સંદર્ભે એક મેઇલ દ્વારા સંપર્ક કર્યો પરંતુ અત્યાર સુધી અમને તેમની તરફથી કોઈ જવાબ નથી મળ્યો. જવાબ મળતા જ આ રિપોર્ટ અપડેટ કરવામાં આવશે.

આ સિવાય અમને કુલ દસ લોકો પૈકી લૅન્ડમસ રિયાલિટીના બે ડિરેક્ટર રક્ષિત ગંગાધર અને ગુનાશ્રી પ્રદીપની લિંક્ડઇન પ્રોફાઇલ મળી. પરંતુ આ પ્રોફાઇલ પર ઘણા સમયથી કંઈ પણ પોસ્ટ નહોતું કરાયું. એવું લાગે છે કે જેમ આ પ્રોફાઇલ ક્યારેય ઉપયોગમાં જ નથી લેવાઈ.

ટ્વિટર પર આર્થિક મામલાના જાણકારો આ વિજ્ઞાપનને 'મજાક' અને 'શરારત' ગણાવી છે, કેટલાક લોકો વિજ્ઞાપન આપનારા પર કાર્યવાહી કરવાની વાત કરી છે.https://youtu.be/tgn22vlQr-Q

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Office of the company which announced investment of 500 billion is missing?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X