મંદસૌર ગેંગરેપઃ બીજો આરોપી પણ પકડાયો, કબુલી હેવાનિયતની હદ
મધ્યપ્રદેશના મંદસૌરમાં 7 વર્ષની માસૂમ બાળકી સાથે સામૂહિક બળાત્કાર મામલે પોલિસે શુક્રવારે બીજા આરોપી આસિફ (24) ની પણ ધરપકડ કરી છે. બિલ્ડિંગ મટિરિયલનું કામ કરનાર આસિફે કબૂલી લીધુ છે કે તેણે પણ બાળકી સાથે ખોટુ કામ કર્યુ છે. તમે જાણીને હતપ્રભ થઈ જશો કે તેણે માત્ર બળાત્કાર જ નહોતો કર્યો પરંતુ હેવાનિયતની બધી હદો પાર કરી દીધી હતી. માસૂમ બાળકીના પ્રાઈવેટ પાર્ટને નુકશાન પહોંચાડવા માટે તેમાં રૉડ કે લાકડી જેવી વસ્તુ પણ નાખી હતી. તેનાથી તેના આંતરડા બહાર નીકળી ગયા. વિસ્તારથી જાણો સમગ્ર મામલો..

વિરોધમાં બંધ છે આખુ મંદસૌર
ઘટનાના વિરોધમાં ગુરુવારે મંદસૌર સહિત પિપળિયામંડી, દલૌદા બંધ રહ્યુ. વળી, શુક્રવારે સીતામઉ, સુવાસરા, સંજીત તેમજ શામગઢ બંધ રહ્યા. બાળ કલ્યાણ સમિતિ તેમજ ખાનગી સ્કૂલ એસોસિએશને બધી શાળાઓને બાળકોની સુરક્ષાની વ્યવસ્થા રાખવા માટે પત્ર લખ્યો છે. ખાનગી સ્કૂલ એસોસિએશન અધ્યક્ષ રૂપેશ પારેખે કહ્યુ શનિવારે પણ બધી સ્કૂલો બંધ રહેશે અને સંચાલકો દ્વારા પ્રશાસનને મેમોરેન્ડમ આપવામાં આવશે. ઘટનાના વિરોધમાં મહિલા સંગઠને વિશ્વપતિ શિવાલયથી કંટ્રોલ રૂમથી સુધી રેલી કાઢી મેમોરેન્ડમ આપ્યુ.

સીએમ શિવરાજ સિંહે કહ્યુ - ફાંસીથી ઓછી ન હોવી જોઈએ સજા
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ, "આ પ્રકારના હેવાનોને સભ્ય સમાજમાં રહેવાનો કોઈ અધિકાર નથી અને આવા લોકોને ફાંસીથી ઓછી સજા ન થવી જોઈએ. પ્રશાસન આરોપીઓને કડકમાં કડક સજા અપાવવાનો પૂરો પ્રયાસ કરશે." મુખ્યમંત્રીએ પીડિત બાળકી વિશે કહ્યુ કે તે મધ્યપ્રદેશની દીકરી છે અને તે સ્વયં તેના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે. સરકાર કોશિશ કરી રહી છે કે તે પૂરી રીતે સ્વસ્થ થઈ જાય. ઈન્દોરની હોસ્પિટલમાં દાખલ કરાયેલ પીડિતાની તે સતત જાણકારી મેળવી રહ્યા છે.

જાણો શું થયુ હતુ માસૂમ સાથે
સરસ્વતી શિશુ મંદિરમાં અભ્યાસ કરતી સાત વર્ષની બાળકીને મંગળવારે છૂટ્યા બાદ સ્કૂલના ગેટેથી આરોપી ઈરફાન લાડુ ખવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. બુધવારે તે લોહીલુહાણ હાલતમાં ઝાડીઓ વચ્ચે પડી હતી. બાળકી દ્વારા બતાવવામાં આવેલા બે જણમાંથી એક આરોપી ઈરફાનની બુધવારે રાતે ધરપકડ કરી લેવામાં આવી હતી. બીજો આરોપી આસિફ શુક્રવારે પકડાયો. ઈરફાન ઉર્ફે ભય્યુ ખાં એ તેનું ગળુ કાપવાની પણ કોશિશ કરી હતી.

બાળકીની હાલતમાં સુધાર થઈ રહ્યો છે
એમવાય હોસ્પિટલમાં 10 ડૉક્ટરોની ટીમ બાળકીનો ઈલાજ કરી રહી છે. બાળકીની ઈજાઓ એટલી ગંભીર છે કે તેને ઠીક થતા 15 થી 20 દિવસ લાગી જશે. બાળકીને એટલી પીડા છે કે જો કોઈ તેને અડે તો પણ તે કણસવા લાગે છે. બાળકીની અલગ અલગ સર્જરી કરવામાં આવી છે. ડૉક્ટરો અનુસાર બાળકીને હવે જોખમ નથી.