
વિચારતા-સમજતા, બોલનારા રાષ્ટ્રપતિ જોઈએ, રબર સ્ટેમ્પ નહિઃ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા
નવી દિલ્લીઃ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાએ બુધવારે કહ્યુ કે રાષ્ટ્રપતિ ભવનમાં રહેનાર વ્યક્તિએ રબર સ્ટેમ્પ નહિ પણ 'વિચારનાર અને બોલનાર હોવુ જોઈએ. યશવંત સિન્હાએ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનુ નામાંકન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તુત કરાયાની ટીકા કરી અને કહ્યુ કે તેમણે પોતાનુ નામાંકન જાતે ભર્યુ. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યુ કે, 'ભારતને એવા રાષ્ટ્રપતિની જરૂર છે જે સરકાર માટે રબર સ્ટેમ્પ તરીકે નહિ પરંતુ બંધારણના નિષ્પક્ષ રક્ષક તરીકે કામ કરે. રાષ્ટ્રપતિ પાસે પોતાની વિચારસરણીની શક્તિ હોવી જોઈએ અને જ્યારે પણ પ્રજાસત્તાકની કારોબારી અથવા અન્ય કોઈ સંસ્થા બંધારણીય સિદ્ધાંતોથી ભટકે ત્યારે તેઓ કોઈપણ ભય કે તરફેણ વિના તે સત્તાનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કરે.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સિન્હાએ કેન્દ્ર સરકારની લશ્કરી ભરતી યોજના અગ્નિપથની પણ ટીકા કરી હતી અને કહ્યુ હતુ કે તેને લાગુ કરતાં પહેલા કોઈ જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી ન હતી. તેમણે કહ્યુ કે સંરક્ષણ મુદ્દે સંસદની સ્થાયી સમિતિઓ છે પરંતુ તેમની પણ સલાહ પણ લેવામાં આવી નથી. યશવંત સિંહાએ રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની હત્યાની ઘટનાની પણ નિંદા કરી હતી અને કહ્યુ હતુ કે લોકશાહીમાં હિંસાની આવી ઘટનાઓને કોઈ સ્થાન નથી અને દોષિતોને દેશના કાયદા મુજબ સખત સજા મળવી જોઈએ. વળી, તેમણે ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની ધરપકડની પણ નિંદા કરી અને કહ્યુ કે પત્રકારની ધરપકડ પાયાવિહોણા આરોપો પર કરવામાં આવી છે.