
નોટબંધી પર વિપક્ષે જાહેર કર્યો વીડિયો કહ્યુ, ‘ચોકીદારે દેશ સાથે ગદ્દારી કરી'
બે વર્ષ પહેલા મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધી વિશે મંગળવારે વિપક્ષી દળના નેતાઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીઓએ પીએમ મોદી પર સીધુ નિશાન સાધ્યુ અને એક વીડિયો પણ જાહેર કર્યો. વિપક્ષી દળોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો કે નોટબંધીથી ભાજપને ઘણો ફાયદો થયો છે. પોતાના આરોપોના સમર્થનમાં વિપક્ષે એક વીડિયો ક્લિપ પણ બતાવી છે.

ચોકીદારોએ દેશ સાથે ગદ્દારી કરી છે
કપિલ સિબ્બલે કહ્યુ કે અમુક ચોકીદારોએ દેશ સાથે ગદ્દારી કરી છે અને સામાન્ય જનતાના ખિસ્સામાંથી પૈસા છીનવી લીધા છે. 31 ડિસેમ્બર 2016 બાદ પૈસા બદલાઈ ગયા. નોટ બદલવામાં બેંકોની મિલીભગત રહી. પ્રેસકોન્ફરન્સમાં એક વીડિયો બતાવવામાં આવ્યો જેમાં દાવો કરવામાં આવ્યો કે પત્રકારોએ મળીને નોટબંધી પર એક વિશેષ તપાસ કરી છે. આખો વીડિયો 31 મિનિટનો છે. આ પ્રેસ કોન્ફરન્સમાં સિબ્બલ ઉપરાંત રણદીપ સુરજેવાલા, અહમદ પટેલ, ગુલાબ નબી આઝાદ, મલ્લિકાર્જૂન ખડગે, રાજદના મનોજ ઝા અને શરદ યાદવ શામેલ હતા.

નોટબંધી બાદ 40 ટકા કમિશન પર બંધ થયેલી નોટો બદલવાનો પ્રસ્તાવ
કપિલ સિબ્બલે કહ્યુ કે નોટબંધીના કારણે દેશની જીડીપી પાછળ જતી રહી, ખેડૂતોને નુકશાન થયુ, નાના વેપારીઓને નુકશાનસહન કરવુ પડ્યુ. વીડિયોમાં બતાવવામાં આવ્યુ કે 5 કરોડના 500ની નોટ આવી અને 3 કરોડની 2000ની નોટ આપવામાં આવી. આ બધુ 31 ડિસેમ્બર પછી થયુ છે. વીડિયોમાં એક ભાજપ કાર્યકર્તાએ નોટબંધી બાદ 40 ટકા કમિશન પર બંધ થયેલી નોટોને બદલવાનો પ્રસ્તાવ આપ્યો.

નોટબંધી દરમિયાન અમુક ભાજપ નેતાઓએ નોટ બદલાવ્યા
જો કે કપિલ સિબ્બલે અંતમાં કહ્યુ કે તે આ વીડિયોની પુષ્ટિ નથી કરી શકતા, ના તે કહી રહ્યા છે કે આ વીડિયો તેમનો છે. તેમણે કહ્યુ કે આ વીડિયો તેમને એક વેબસાઈટથી મળ્યો છે. જેમાં અમુક ચોંકાવનારી વાતો સામે આવી છે. અમે ઈચ્છીએ છીએ કે આ વીડિયોમાં જે બતાવવામાં આવ્યુ છે તેની તપાસ થાય. આ વીડિયોમાં એક વ્યક્તિને નોટ બદલવા વિશે ફોન પર વાત કરતો બતાવવામાં આવ્યો છે. વિપક્ષનો દાવો છે કે આ વાતચીત નોટબંધી બાદ થઈ રહી હતી. વીડિયોમાં નોટોના બંડલ પણ બતાવવામાં આવ્યા છે. એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે નોટબંધી દરમિયાન અમુક ભાજપ નેતાઓએ નોટ બદલાવ્યા છે.
આ પણ વાંચોઃ 45 દિવસો સુધી રમતો રહ્યો પબજી, ગરદનની નસોએ લીધો જીવ