ઓક્સિજન મુદ્દે સરકારના નિવેદન માટે સરકાર પર કેસ થવો જોઈએ-સંજય રાઉત
દેશમાં ઓક્સિજનના અભાવ એક પણ મોત ન થયાના કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલા નિવેદન બાદ વિપક્ષે સરકાર સામે બાયો ચડાવી છે. કોંગ્રેસ બાદ શિવસેનાએ પણ સરકાર પર નિશાન સાધ્યું છે. શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે આ નિવેદન પછી ઓક્સિજનના અભાવને કારણે તેમના પ્રિયજનો ગુમાવનારા પરિવારોને શું થયું હશે? સંજય રાઉતે કહ્યું કે, જૂઠ્ઠાણા બદલ સરકાર વિરુદ્ધ કેસ નોંધાવો જોઇએ.

પેગાસુસ જાસૂસી કેસમાં સરકાર સત્ય બહાર લાવે-સંજય રાઉત
આ સિવાય પેગાસસ કેસમાં પણ સંજય રાઉતે સરકારને ઘેરી છે. તેમણે કહ્યું છે કે વિપક્ષ આ જાસૂસી કેસમાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) અને સુપ્રીમ કોર્ટની દખલની માંગ કરી રહ્યો છે, જો રવિશંકર પ્રસાદ વિપક્ષમાં હોત તો તેમણે પણ આ જ માંગ કરી હોત, આ માંગણી કરવામાં આવી રહી છે તો પછી સરકારે સત્ય બહાર આવવા દેવુ જોઈએ. જ્યારે તમે કશું ખોટું કર્યું નથી, તો પછી ડરની વાત શું છે?

કોરોનાની બીજી લહેર દરમિયાન 700% ઓક્સિજનની નિકાસ કરાઈ-પ્રિયંકા ગાંધી
સંજય રાઉત ઉપરાંત રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટિ્વટ કર્યું છે કે, "ઓક્સિજનના અભાવને લીધે કોઈ મોત નથી":કેન્દ્ર સરકાર. આ મોત થયા કારણ કે સરકારે રોગચાળાના વર્ષમાં ઓક્સિજનની નિકાસમાં 700% વધારો કર્યો. ઓક્સિજન પરિવહન માટે ટેન્કરો માટે સરકારે કોઈ વ્યવસ્થા કરી ન હતી. એમ્પાવર ગ્રુપ અને સંસદીય સમિતિની સલાહને અવગણીને સરકારે ઓક્સિજન આપવાની કોઈ વ્યવસ્થા કરી હતી.

કેન્દ્ર સરકારના જવાબ બાદ હોબાળો
મંગળવારે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલરાવે સરકારને પૂછ્યું હતું કે કોરોનાની બીજી લહેર બાદ ઓક્સિજનના અભાવને દેશમાં કેટલા મૃત્યુ થયા? આ મુદ્દે સરકારે માહિતી આપી કે તેમને રાજ્યો તરફથી આ પ્રકારનો ડેટા મળ્યો નથી, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે દેશમાં ઓક્સિજનના અભાવને કારણે એક પણ મોત થયુ હોય.