
યોગીના ચંદ્રગુપ્તવાળા નિવેદન પર ઓવૈસીનો કટાક્ષ, કહ્યું- હિન્દુત્વ નકલી ઈતિહાસની ફેક્ટરી છે
લખનઉ : 2022માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઝિન્હા બાદ હવે ચંદ્રગુપ્ત મૌર્યની એન્ટ્રી થઈ છે. વાસ્તવમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજધાની લખનઉમાં આયોજિત કાર્યક્રમમાં બોલતા કહ્યું કે, ઇતિહાસ એલેક્ઝાન્ડરને 'ધ ગ્રેટ' તરીકે યાદ કરે છે, જે ચંદ્રગુપ્ત મૌર્યથી 'હારી ગયો' હતો. તો ત્યાં જ હવે ઓલ ઈન્ડિયા મજલિસ ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ યોગી આદિત્યનાથના નિવેદન પર પલટવાર કર્યો છે.
ચંદ્રગુપ્ત મૌર્ય પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદન પર પ્રતિક્રિયા આપતા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, હિન્દુત્વ નકલી ઈતિહાસની ફેક્ટરી છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને સિકંદર વચ્ચે કોઈ યુદ્ધ થયું ન હતું. આ એક બીજું ઉદાહરણ છે કે, શા માટે આપણને સારી જાહેર શિક્ષણ પ્રણાલીની જરૂર છે.
સારી શાળાઓના અભાવે બાબા-લોકો પોતાની સગવડતા પ્રમાણે હકીકતો ઘડતા જાય છે. આ નિવેદન દર્શાવે છે કે, બાબા શિક્ષણને મહત્વ આપતા નથી. લખનઉના ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં 14 નવેમ્બરના રોજ ભાજપના વૈશ્ય સંમેલનને લઈને મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ઈતિહાસને કેવી રીતે વિકૃત કરવામાં આવ્યો છે! ઈતિહાસકારોએ અશોક કે ચંદ્રગુપ્ત મૌર્યને મહાન ગણાવ્યા નથી. ઊલટાનું ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા પરાજિત થયેલા એલેક્ઝાન્ડર મહાન કહેવાયા. દેશ સાથે દગો થયો છે, પરંતુ ઈતિહાસકારો આના પર મૌન છે, કારણ કે જો સત્ય ભારતીયો સામે આવશે તો સમાજ ફરી એકવાર ઉભો થશે. જ્યારે સમાજ ઉભો થશે તો દેશ પણ ઉભો થશે.
સપા પર સાધ્યું નિશાન
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, જે લોકો આજે સત્તા માટે ઝિન્નાનું સમર્થન કરી રહ્યા છે, તેઓ એક રીતે તાલિબાનનું સમર્થન કરી રહ્યા છે, આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે, તેઓ સત્તા માટે કંઈ પણ કરી શકે છે. યોગીએ જણાવ્યું હતું કે, વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. તે સરદાર પટેલનું અપમાન કરવા માગે છે. રાષ્ટ્રીય નાયક સરદાર પટેલ એક તરફ છે અને રાષ્ટ્રને તોડનાર ઝિન્હા બીજી તરફ છે. એ લોકો ઝિન્હાને સમર્થન આપે છે, અમે સરદાર પટેલને સમર્થન કરીએ છીએ.