સીએએના વિરોધને કારણે વડા પ્રધાનએ આસામ પ્રવાસ રદ કર્યો, ખેલા ઈન્ડિયાના ઉદઘાટનમાં થવાના હતા સામેલ
નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) ના વિરોધમાં આસામ સૌથી મોટું કેન્દ્ર હતું. હવે સીએએના વિરોધને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આસામની મુલાકાત રદ કરવી પડી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, 10 જાન્યુઆરીએ પીએમ મોદી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2020 ના ઉદઘાટન માટે આસામના ગુવાહાટી જવાના હતા. હકીકતમાં આસામમાં ભાજપના સાથી પક્ષની યુવા પાંખે ખુલ્લેઆમ મોદી સામે વિરોધ કરવાની ચીમકી આપી હતી.
ખેલો ઈન્ડિયા ગેમ્સના સીઇઓ અવિનાશ જોશીએ અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે અમે વડાપ્રધાન મોદીને ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ આપ્યું હતું, હજી સુધી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી. પરંતુ અનૌપચારિક રીતે અમને કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન આવી શકશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીએએ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધને કારણે પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનની આ બીજી મોટી આસામ મુલાકાત છેલ્લા એક મહિનામાં રદ કરવામાં આવી છે.
વિરોધને કારણે 15 થી 17 ડિસેમ્બર દરમિયાન યોજાનારી ગુવાહાટીમાં ભારત-જાપાન સમિટ રદ કરવી પડી હતી. આને કારણે વડાપ્રધાન મોદી અને શિંઝો આબેની બેઠક પણ મુલતવી રાખવામાં આવી હતી. તે જ સમયે, બાંગ્લાદેશના વિદેશ પ્રધાન અબ્દુલ મોમિન અને ગૃહ પ્રધાન અસદુઝમાને એનઆરસી અને સીએએ સંબંધિત તેમની ભારત મુલાકાત રદ કરી હતી. ડિસેમ્બરની શરૂઆતમાં, ગૃહ પ્રધાન અમિત શાહે મેઘાલય અને અરુણાચલ પ્રદેશના બે પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત રદ કરી હતી.