UN માં પીએમ મોદી, હું તે દેશનો પ્રતિનિધિ છું, જેને 'લોકશાહીની માતા' કહે છે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકને સંબોધી હતી. પોતાના સંબોધનમાં ભારતની મહાન લોકશાહીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે હું આ મહાસભામાં 'લોકશાહીની માતા' તરીકે ઓળખાતા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. પીએમ મોદીએ કહ્યું કે ભારતની લોકશાહી મહાન છે, જે બાળક એક સમયે રેલવે સ્ટેશન પર ચા વેચવામાં તેના પિતાની મદદ કરતો હતો તે આજે તે દેશના વડાપ્રધાન છે. ભારતની લોકશાહીની તાકાત એ છે કે તે બાળક સૌથી લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી પણ હતો.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારતે આ વર્ષે 15 ઓગસ્ટના રોજ પોતાની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને હું યુએનના મંચ પરથી કહેવા માંગુ છું કે અમારી વિવિધતા અમારી મજબૂત લોકશાહીની ઓળખ છે. છેલ્લા દોઢ વર્ષથી આ દુનિયા મહામારી સામે લડી રહી છે, જે છેલ્લા 100 વર્ષમાં પહેલા ક્યારેય જોવા મળી નથી. હું તમામ લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપું છું.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, અમે માનીએ છીએ કે વિકાસ સર્વસમાવેશક, સાર્વત્રિક અને સૌને પોષતો હોવો જોઈએ. હું યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીને કહેવા માંગુ છું કે ભારત પ્રથમ દેશ છે જેણે વિશ્વની પ્રથમ ડીએનએ રસી વિકસાવી છે. આ રસી 12 વર્ષથી ઉપરની વ્યક્તિને આપી શકાય છે. આ ઉપરાંત, ભારતમાં mRNA રસી પણ તેના અંતિમ તબક્કામાં છે. ભારતમાં વૈજ્ઞાનિકો પણ કોરોના વાયરસ સામે રસી વિકસાવી રહ્યા છે, જે નાક દ્વારા આપી શકાય છે. અમારો સંકલ્પ છે કે કોરોના વાયરસ મહામારી સામેની લડાઈમાં ભારત મોખરે રહેશે.