
PM મોદીએ તેજસ્વી યાદવને કર્યો ફોન, લાલુ યાદવના ખબરઅંતર પૂછ્યા
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવનું સિંગાપોર ખાતે સફળતા પૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લાલુપ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ તેમને કિડની દાનમાં આપી હતી.
લાલુ યાદવના આ ઓપરેશન બાદ તેમના સ્નેહીજનો અને ઘણા નેતાઓએ તેમના ખબરઅંતર પૂછ્યા અને તેમને ઝડપથી સ્વસ્થ થવા માટે શુભકામનાઓ આપી હતી. આ સાથે મંગળવારના રોજ દેશના વડાપ્રધાન મોદીએ લાલુ યાદવના જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પણ પાઠવી હતી.
લાલુના કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ વડાપ્રધાન મોદીએ મંગળવારના રોજ તેજસ્વી યાદવ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવને તેમની તબિયત વિશે પૂછ્યું અને તેમના ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા આપી હતી.
RJD સુપ્રિમોને પોતાની કિડની દાન કરનારી તેમની પુત્રી રોહિણીના વખાણ થઈ રહ્યા છે. રોહિણીની રાજનીતિની બહાર વખાણ થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, જો તમારી પાસે દીકરી છે, તો રોહિણી આચાર્ય જેવી બને. રોહિણી આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, લાલુ યાદવની કિડનીનું ઓપરેશન સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. તેમના ઓપરેશનના એક દિવસ બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેમની પુત્રી મીસા ભારતીએ લખ્યું હતું કે, તમારી પ્રાર્થનાથી જ પાપાનું મનોબળ વધ્યું અને હાલ તેમને સારું છે. આજે પાપાએ બધાનો આભાર માન્યો છે.