સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ લૉકડાઉન લંબાવવાના આપ્યા સંકેત
કોરોના વાયરસ અને લૉકડાઉન વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભા અને રાજ્યસભામાં વિવિધ પક્ષોના નેતાઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત કરી. સૂત્રો અનુસાર બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષી દળોને દેશમાં લૉકડાઉન લંબાવવા સંકેત આપ્યા. પીએમે આ દરમિયાન કહ્યુ કે તે 11 એપ્રિલે ફરીથી બધા રાજ્યોના સીએમ સાથે વાત કરશે. ત્યારબાદ નિર્ણય લેશે. આ બેઠકમાં પીએમ મોદીએ રાહત પેકેજ અને મેડીકલ ઉપકરણોની કમી જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ સર્વપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યુ કે 14 એપ્રિલે દેશવ્યાપી લૉકડાઉનને ખતમ કરવાનુ સંભવ નહિ બને કારણકે દેશમાં કોરોનાની બિમારીના 5000થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. સાંસદો સાથે વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં સ્થિતિ સામાજિક ઈમરજન્સી સમાન છે. આના માટે કડક નિર્ણયોની જરૂર છે અને આપણે સતર્ક રહેવુ જોઈએ. રાજ્યો, જિલ્લા પ્રશાસન અને વિશેષજ્ઞોએ વાયરસના પ્રસારને રોકવા માટે લૉકડાઉનના લંબાવવાનુ સૂચન આપ્યુ છે.
ભાજપ, કોંગ્રેસ, ડીએમકે, એઆઈએડીએમકે, ટીઆરએસ, સીપીઆઈએમ, ટીએમસી, શિવસેના, એનસીપી, અકાલી દળ, એલજેપી, જેડીયુ, સપા, બસપા, વાયએસઆર કોંગ્રેસ અને બીજેડીના પ્રતિનિધિ શામેલ થયા. આ બેઠકમાં પીએમ મોદીએ કોરોના વાયરસ, રાહત પેકેજ અને લૉકડાઉન સહિત ઘણા મુદ્દાઓ પર વાત કરી.
પીએમ સાથે વીડિયો કૉન્ફરન્સ દ્વારા વાતચીતમાં કોંગ્રેસના ગુલામ નબી આઝાદ, ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય, શિવસેનાના સંજય રાઉત, બીજેડીના પિનાકિન મિશ્રા, એનસીપીના શરદ પવાર, સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, અકાલી દળના સુખબીર સિંહબાદલ, બસપાના સતીષ ચંદ્ર મિશ્રા, વાયએસઆર કોંગ્રેસના વિજય સાંઈ રેડ્ડી અને મિથુન રેડ્ડી, જેડીયુના રાજીવ રંજન સિંહ, એલજેપીના ચિરાગ પાસવાન વગેરે શામેલ થયા.
પીએમ મોદી સાથે થયેલી નેતાઓની આ બેઠકમાં ઘણી મહત્વની માંગો કરવામાં આવી છે. આમાં એફઆરબીએમ રાજકોષીય સીમાને 3થી 5 ટકા કરવા, રાજ્યોને તેમની બાકી રકમ ચૂકવવા, રાહત પેકેજને જીડીપીના એક ટકા વધારીને 5 ટકા કરવા, કોરોના ટેસ્ટ ફ્રી કરવા અને પીપીઈ સહિત બધી મેડિકલ ઈક્વિપમેન્ટ પૂરી પાડવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પે PM મોદીની કરી પ્રશંસા, દવા પર પ્રતિબંધ હટાવવા પર કહ્યુ - તે બહુ જ મહાન