આજે ક્રિપ્ટો કરન્સી પર બીજી બેઠક કરવા જઈ રહ્યા છે પીએમ મોદી, આવી શકે છે બિલ
નવી દિલ્લીઃ ક્રિપ્ટો કરન્સીનુ ચલણ ઝડપથી વધી રહ્યુ છે. ભારતમાં પણ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનાર લોકોની સંખ્યા વધી રહી છે જેના કારણે હવે મોદી સરકાર તેને ગંભીરતાથી લઈ રહી છે. 13 નવેમ્બરે આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મોટી બેઠક થઈ હતી. હવે બે દિવસ બાદ સોમવારે એટલે કે આજે(15 નવેમ્બર) ક્રિપ્ટો કરન્સી પર ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠક કરશે. જેમાં રિઝર્વ બેંક, નાણા મંત્રાલય અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ શામેલ રહેશે. સરકાર પહેલેથી જ આ મુદ્દે દુનિયાભરના વિશેષજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરી ચૂકી છે.
રિપોર્ટસ મુજબ સરકાર આગામી શીતકાલીન સત્રમાં ક્રિપ્ટો કરન્સી પર વ્યાપક બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સોમવાર એટલે કે આજે આર્થિક બાબતોની સ્થાયી સમિતિ બેઠક છે. જેમાં ક્રિપ્ટો કરન્સીના બધા પાસાંઓ પર ચર્ચા થશે. કેન્દ્રીય બેંક આરબીઆઈએ પહેલા જ પોતાનુ વલણ સરકાર સામે સ્પષ્ટ કરી દીધુ છે. રિઝર્વ બેંક ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા મુજબ ડિજિટલ કરન્સી માટે ગંભીર ચિંતાઓ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. સાથે જ રોકાણકારોએ પણ આ અંગે સતર્ક રહેવાની જરુર છે.
ક્રિપ્ટો પર લાગે ટેક્સ?
ક્રિપ્ટો કરન્સીનુ બજાર અનિયંત્રિત છે. સાથે જ તેનો આખો હિસાબ પણ સરકાર પાસે નથી રહેતો, જેના કારણે ચિંતાઓ વધી ગઈ છે. ભારતમાં પણ ઘણા ડિજિટલ પ્લેટફૉર્મ છે જ્યાં ક્રિપ્ટો કરન્સીને સરળતાથી ખરીદવા અને વેચવામાં આવી રહ્યુ છે. ક્રિપ્ટો કરન્સીના લાભ પર ટેક્સ પણ નથી લાગી રહ્યો. અમુક રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર હવે ક્રિપ્ટો કરન્સી પર ટેક્સ લગાવવાનુ પ્લાન કરી રહી છે. જો કે હજુ તેની અધિકૃત પુષ્ટિ થઈ શકી નથી.
શું છે ક્રિપ્ટો કરન્સી?
ક્રિપ્ટો કરન્સી એક પ્રકારની વર્ચ્યુઅલ કરન્સી છે જે તમારા ડિજિટલ વૉલેટમાં રહે છે. સામાન્ય રૂપિયાની જેમ તમે તેને નોટ કે સિક્કા તરીકે નથી રાખી શકતા. તે સંપૂર્ણપણે ઑનલાઈન છે. ખાસ વાત એ છે કે ક્રિપ્ટો કરન્સીના ભાવ ખૂબ ઝડપથી વધે-ઘટે છે. જેના કારણે એક્સપર્ટ તેમાં સમજી-વિચારીને રોકાણ કરવાની સલાહ આપે છે. વળી, ટેરર ફંડિંગ, કાળા નાણા અને ખંડણીમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે.