
PM મોદી આવતીકાલે પ્રયાગરાજ જશે, 2.5 લાખ મહિલાઓને આપશે મોટી ભેટ!
પ્રયાગરાજ, 20 ડિસેમ્બર : વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પ્રયાગરાજમાં મહિલા શક્તિનું સન્માન કરશે અને ભેટ આપશે. સંગમ વિસ્તારમાં પરેડ ગ્રાઉન્ડમાં પીએમ મોદીના કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 21 ડિસેમ્બરે યોજાનાર વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં રાજ્યની લગભગ 2.5 લાખ મહિલાઓ ભાગ લેશે. કાર્યક્રમમાં ભાગ લેનારી મહિલાઓ માટે અલગ-અલગ 41 શાળાઓમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓના આરોગ્યની દેખરેખ માટે 41 ટીમો બનાવવામાં આવી છે. દરેક ટીમમાં બે આરોગ્ય કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે ત્રણ કેન્દ્રો પર એક ડૉક્ટરને નોડલ બનાવવામાં આવ્યા છે, જેથી મહિલાઓને જરૂર પડ્યે આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાય.
પ્રયાગરાજ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી પરેડ ગ્રાઉન્ડમાં 20 થી 25 મહિલાઓ સાથે અલગથી વાતચીત કરશે. આ માટે મુખ્ય સ્ટેજની બાજુમાં અલગ પંડાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મહિલાઓની પસંદગી કરવામાં આવી રહી છે. તેમને તાલીમ પણ આપવામાં આવશે. આ અવસર પર પીએમ મોદી 1.60 લાખ સ્વ-સહાય જૂથોના ખાતામાં એક હજાર કરોડ રૂપિયા મોકલશે.
મોટી વાત એ છે કે લગભગ 16 લાખ મહિલાઓને આ રકમનો સીધો ફાયદો થશે. આ સિવાય પીએમ મોદી મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા સંચાલિત 202 પોષણ ઉત્પાદન એકમોનો શિલાન્યાસ પણ કરશે. પીએમ CM કન્યા સુમંગલા યોજના હેઠળ 1.01 લાખ લાભાર્થીઓને 20.20 કરોડ રૂપિયાની રકમ આપશે. આ રકમ તેના બેંક ખાતામાં જ જશે.
ઉલ્લેખનિય છે કે, હવે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે. હાલ યુપીમાં ભાજપની ખુરશી હલી રહી હોવાથી મોદી-યોગી યુપી પર વિશેષ ધ્યાન આપી રહ્યાં છે.