PM મોદી આજે જશે અસમની મુલાકાતે, 500 કરોડના પ્રોજેક્ટ શરૂ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાતે જઈ રહ્યા છે. વડાપ્રધાન અહીં અનેક પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને તેનો શિલાન્યાસ કરશે. તેમજ વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે કાર્બી આંગલોંગ જિલ્લાના દિપુ ખાતે શાંતિ, એકતા અને વિકાસ રેલીને સંબોધિત કરશે. વડા પ્રધાન કાર્યાલય દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આસામ પ્રવાસ દરમિયાન પીએમ મોદી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કરશે. પીએમ મોદી દીફૂમાં વેટરનરી કોલેજ, કાર્બી આંગલોંગ ખાતે ડિગ્રી કોલેજ, કલોંગા ખાતે કૃષિ શાળાનો શિલાન્યાસ કરશે. પીએમ મોદી 500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કરશે, જેનાથી આ વિસ્તારમાં રોજગાર વધશે, લોકોના કૌશલ્યનો વિકાસ થશે, તેમને નવી તકો મળશે.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન 2950થી વધુ અમૃત સરોવર યોજનાઓનો શિલાન્યાસ કરશે. રાજ્ય આ યોજનાઓને રૂ. 1150 કરોડના ખર્ચે પૂર્ણ કરશે. પ્રધાનમંત્રી આજે આસામ મેડિકલ કોલેજ, ડિબ્રુગઢની મુલાકાત લેશે અને અહીંની ડિબ્રુગઢ કેન્સર હોસ્પિટલ રાષ્ટ્રને સોંપશે. આ પછી, બપોરે 3 વાગ્યે, પીએમ મોદી ડિબ્રુગઢમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે જ્યાં તેઓ 6 વધુ કેન્સર હોસ્પિટલોનું ઉદ્ઘાટન કરશે, જ્યારે 7 નવી કેન્સર મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે. ડિબ્રુગઢમાં આસામ કેન્સર કેર ફાઉન્ડેશન આસામ સરકાર અને ટાટા ટ્રસ્ટની ભાગીદારીમાં દક્ષિણ એશિયાની સૌથી મોટી હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યું છે, જ્યાં કેન્સરની સારવાર પોસાય તેવા દરે થઈ શકે છે. રાજ્યભરમાં આવી 17 કેન્સર હોસ્પિટલો સ્થાપવામાં આવનાર છે.