પુલવામા હુમલોઃ લાલ રંગની કાર વિશે નજરે જોનારાએ કર્યો મોટો ખુલાસો
પુલવામા આતંકી હુમલા બાદ એનઆઈએએ આની તપાસ શરૂ કરી દીધી છે. આ તપાસમાં એનઆઈએને જાણકારી મળી છે કે મારુતિની લાલ રંગની ઈકો કાર સીઆરપીએફના કાફલા સાથે ઝડપથી જઈ રહી હતી. નજરે જોનારાએ એનઆઈએને જણાવ્યુ કે આ લાલ રંગની કાર જ સીઆરપીએફના કાફલા સાથે ઝડપથી જઈ રહી હતી. આ જાણકારી બાદ એનઆઈએ આ લાલ રંગની કારને શોધવામાં લાગી ગયા છે. આ કાર દ્વારા સીઆરપીએફના કાફલામાં ધમાકો કરવામાં આવ્યો.

કારના ટૂકડા મળી આવ્યા
એનઆઈએના સૂત્રો અનુસાર ઘટના સ્થળેથી લાલ રંગના બંપર, એક્સલ અને ગાડીના અમુક ભાગો મળી આવ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આ બધા એ જ કારના ભાગો છે. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આ હુમલા માટે સ્કોર્પિયો કાર નહિ પરંતુ મારુતિ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર સીઆરપીએફના જવાને પોતાના નિવેદનમાં કહ્યુ છે કે મે કાફલા સાથે હાઈવે પર કારને પૂરઝડપે આવતા જોઈ હતી. અહીં સતત થોડી મિનિટો સુધી કાફલા સાથે ચાલી રહી હતી. જ્યારે તે કારવાળો કાફલાની બહુ નજીક આવી ગયો તો ડ્રાઈવરે તેને દૂર રહેવા માટે કહ્યુ હતુ. પરંતુ થોડા વારમાં આ કારમાં ધમાકો થઈ ગયો.

આંતકીઓ પર નજર
શનિવારે સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ રાજીવ રાય ભટનાગરે પણ ધમાકાની જગ્યાનું નિરીક્ષણ કર્યુ. પોલિસના સૂત્રો અનુસાર તે દક્ષિણ કાશ્મીરના બે જૈશ એ મોહમ્મદના આતંકીઓ પર નજર રાખી રહ્યા છે કે જે ઘાટીમાં સક્રિય છે. સૂત્રો અનુસાર પુલવામા હુમલાના એક દિવસ પહેલા જમ્મુ કાશ્મીર પોલિસને ત્રણ ઈનપુટ મળ્યા હતા જેમાં સંભવિત હુમલાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ સંભવિત હુમલાની ઠોસ જાણકારી મળી શકી નહોતી.

આપવામાં આવ્યા હતા ઈનપુટ
આતંકવાદી હુમલાનો વધુ એક ઈનપુટ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આતંકી આઈઈડી દ્વારા મોટો ધમાકો કરવાની તૈયારી કરી રહ્યા છે આના માટે આતંકીઓએ બે આઈઈડી તૈયાર કરી લીધા છે પરંતુ આ વખતે પણ ઈનપુટ એટલા ઠોસ નહોતા જેના કારણે તે ટ્રેસ ન થઈ શક્યા. પોલિસ સૂત્રોનું કહેવુ છે કે તેમણે વધુ એક સંભવિત હુમલાનું ઈનપુટ જાહેર કર્યુ હતુ જેમાં અલગ અલગ એજન્સીઓ સાથે 8 ફેબ્રુઆરીએ શેર કર્યુ હતુ. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓએ આખા વિસ્તારને સાફ કરાવી લીધો હતો.
આ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ અલગાવવાદી નેતાઓની સુરક્ષા પાછી લેવામાં આવી