નવજોત સિંહ સિદ્ધુ આજે કરશે પટિયાલા કોર્ટમાં સરેન્ડર, પંજાબની જેલમાં જ પૂરી કરવી પડશે 1 વર્ષની જેલની સજા
પટિયાલાઃ કોંગ્રેસના પંજાબ પ્રદેશાધ્યક્ષ રહી ચૂકેલા નેતા નવજોત સિંહ સિદ્ધુ આજે કોર્ટમાં સરેન્ડર કરશે. કાલે તેમને દેશની સર્વોચ્ચ અદાલતે રોડરેઝ કેસમાં એક વર્ષની સશ્રમ કારાવાસની સજા સંભળાવી હતી. વકીલોના જણાવ્યા મુજબ સિદ્ધુનો કેસ પટિયાલામાં નોંધાયેલો હતો માટે તે પટિયાલા કોર્ટમાં સરેન્ડર કરવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે કોર્ટમાં હાજરી બાદ તેમને પટિયાલા જેલમાં જ મોકલવામાં આવશે. જો કે, તે કોઈ અન્ય જેલમાં જવા માટે આવેદન પણ કરી શકે છે.

પંજાબની જેલમાં રહેશે, 6 મહિના પછી મળશે પેરોલ
તમને જણાવી દઈએ કે કોર્ટે સિદ્ધુની ધરપકડ પર સરેન્ડર કે સ્ટે માટે રાહત આપી નથી. જિલ્લા પોલીસને પણ આજે તેમની ધરપકડના આદેશ મળવાની ધારણા છે. તે પછી, જો સિદ્ધુ પટિયાલા જેલમાં જશે, તો ત્યાં તેમને કટ્ટર હરીફ SAD નેતા બિક્રમ મજીઠિયાનો સામનો કરવો પડશે. આ બંને તાજેતરમાં જ અમૃતસરથી વિધાનસભા ચૂંટણી હારી ગયા છે. સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે સિદ્ધુને સંપૂર્ણ 365 દિવસની જેલની સજા ભોગવવી પડશે. સાથે જ પેરોલ માટે ઓછામાં ઓછી 6 મહિનાની જેલની સજા ભોગવવી પડશે. તેમને સખત કેદની સજા ફટકારવામાં આવી છે એટલે કે કેદીએ નિર્ધારિત સમયમાં જેલ પરિસરમાં કલરકામ, સુથારીકામ, પથ્થર તોડવું, વેલ્ડીંગ જેવી મહેનત કરવી પડે છે. જો કે મિલમાંથી અનાજ દળવાનું કામ સિદ્ધુને મળ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

મોંઘવારી વિરુદ્ધ રેલી કરી રહ્યા હતા ત્યારે આદેશ આવ્યો
નવજોત સિદ્ધુએ ગઈ કાલે સવારે 11 વાગ્યે પટિયાલામાં મોંઘવારી વિરુદ્ધ રેલી યોજી હતી. તેમણે સવારે 1:52 વાગે રેલીની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેના માત્ર 8 મિનિટ પછી (2 વાગ્યે), સુપ્રીમ કોર્ટે તેમને 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા સંભળાવી. 1988ના રોડ રેજ કેસમાં તેમને સજા સંભળાવવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, 27 ડિસેમ્બર, 1988ના રોજ સિદ્ધુ અને તેના મિત્ર રૂપિન્દર વચ્ચે પટિયાલામાં કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે ઝઘડો થયો હતો. જ્યાં સિદ્ધુએ ગુરનામને મુક્કો માર્યો હતો. જેના કારણે ગુરનામનું મોત થયું હતું. તે સમયે સિદ્ધુ 24 વર્ષના હતા.

આ છે રોડરેજનો કેસ
સિદ્ધુ સામેનો કેસ ઘણા વર્ષો સુધી કોલ્ડ સ્ટોરેજમાં રહ્યો. 2006માં જ્યારે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તેમને દોષિત જાહેર કર્યા ત્યારે તેમની મુશ્કેલીઓ વધી ગઈ. સિદ્ધુને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે, 15 મે 2018 ના રોજ, સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને ઉલટાવી દીધો અને 1 હજાર રુપિયાનો દંડ કર્યો. આ નિર્ણય સામે મૃતકના પરિજનોએ રિવ્યુ અને રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. હવે એ જ 34 વર્ષ જૂના કેસમાં, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે સિદ્ધુને એક વર્ષની સખત કેદની સજા થશે.