
રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર, કહ્યું- ભાજપની નીતિઓને કારણે કાશ્મીરમાં આતંકવાદ ચરમ પર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતની હત્યાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે સામાન્ય નાગરિકોની સુરક્ષાની જવાબદારી ઉઠાવી શાંતિ સ્થાપવાની કોશિશ કરવી જોઈએ.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એક ફિલ્મ પર બોલવું, કાશ્મીરી પંડિતોના નરસંહાર પર બોલવાથી વધુ મહત્વનું છે.' રાહુલ ગાંધીએ ઘાટીમાં ફરી વધી રહેલી આતંકવાદી ઘટનાઓ માટે ભારતીય જનતા પાર્ટીની નીતિઓને જવાબદાર ઠેરવી છે અને કહ્યું છે કે, 'ભાજપની નીતિઓને કારણે જ આજે કાશ્મીરમાં આતંકવાદ ચરમ પર છે. વડાપ્રધાન મોદીજી, સુરક્ષાની જવાબદારી લો અને શાંતિ સ્થાપવાની કોશિશ કરો.'
ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં રાહુલ ભટ્ટની હત્યાને લઈ કાશ્મીરી પંડિતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શુક્રવારે હત્યાના વિરોધમાં 350 સરકારી કર્મચારીઓએ રાજીનામું આપી દીધું. તમામે પોતાના રાજીનામાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને મોકલી આપ્યાં છે. આ બધા કાશ્મીરી પંડિત પ્રધાનમંત્રી પેકેજના કર્મચારી છે. તેમનું કહેવું છે કે આતંકવાદીઓ દ્વારા સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની હત્યા બાદ તેઓ ઘાટીમાં ખુદને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે. જ્યારે કાશ્મીરી પંડિતોએ સાંજે લાલ ચોક પહોંચી કેન્ડલ માર્ચ કાઢી.