એકાઉન્ટ લોક થતા રાહુલ ગાંધી ટ્વિટર પર ભડક્યા, ટ્વિટર રાજનીતિમાં દખલ દેતુ હોવાનો આરોપ!
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોતાના અને પાર્ટીના એકાઉન્ટ લોક કરતા ટ્વિટર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ એક વિડીયો નિવેદન જારી કરતા કહ્યું કે ટ્વિટર એક કંપની તરીકે દેશની રાજનીતિ નક્કી કરવાનું કામ કરી રહ્યું છે. આ દેશના લોકશાહી માળખા પર હુમલો છે. આ રાહુલ ગાંધી પર હુમલો નથી. તે માત્ર મારો અવાજ નહીં કરોડો લોકોનો અવાજ બંધ કરવાનો મુદ્દો છે. ટ્વિટરે મારું એકાઉન્ટ બંધ કરીને એક કંપની તરીકે રાજનીતિમાં દખલ કરી છે. એક કંપની રાજનીતિ નક્કી કરી રહી છે.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. અમને સંસદમાં બોલવાની પણ મંજૂરી નથી. મીડિયા નિયંત્રણમાં છે. હું માનુ છું કે એક આશાનું કિરણ હતું, આપણે ટ્વીટ દ્વારા પોતાનો મત રજૂ કરી શકતા હતા. પરંતુ હવે એવું નથી. ટ્વિટર તટસ્થ પ્લેટફોર્મ નથી. કેટલાક લોકો પોતાની રીતે તેનો ઉપયોગ કરી રહ્યા છે. તે એક પક્ષપાતી મંચ છે અને તે વર્તમાન સરકાર કહે તે સાંભળે છે. એટલું જ નહીં, રાહુલ ગાંધીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે આપણે પ્રશ્ન પૂછવો જોઈએ કે શું આપણે કંપનીઓને રાજનીતિ નક્કી કરવાનો અધિકાર આપી શકીએ?
રાહુલ ગાંધીના નિવેદન પર ટ્વિટર તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. સોશિયલ મીડિયા કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેણે કોઈ પણ પક્ષપાત વગર ન્યાયિક રીતે તેની કાર્યવાહી કરી છે. ટ્વિટરનું કહેવું છે કે તેણે તસવીર પર આ કાર્યવાહી કરી છે, જે રાહુલ ગાંધી સહિત સેંકડો એકાઉન્ટ્સ દ્વારા શેર કરવામાં આવી હતી. આ ફોટો ભારત સરકારના અમારા નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. ટ્વિટરનું કહેવું છે કે આવી વ્યક્તિગત માહિતી અન્ય વસ્તુઓ કરતાં વધુ જોખમી છે. અમારું લક્ષ્ય કોઈપણ વ્યક્તિની ગોપનીયતા અને સલામતીનું ધ્યાન રાખવાનું છે.
ઉલ્લેખનિય છે કે ગયા અઠવાડિયે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બળાત્કાર અને હત્યા કરાયેલી દલિત યુવતીના પરિવારના સભ્યોને મળવા દિલ્હીના નાંગલ ગામ પહોંચ્યા હતા. તેમણે આ સભાની તસવીર ટ્વિટર પર શેર કરી હતી, જેમાં પીડિત બાળકીના માતા-પિતા જોવા મળ્યા હતા. તેમના દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરથી યુવતીની ઓળખ છતી થઈ હતી, જે પોક્સો એક્ટ મુજબ ખોટુ છે. ટ્વિટરે આ અંગે કાર્યવાહી કરી હતી, રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક થયા બાદ તમામ કોંગ્રેસીઓએ સમાન તસવીર શેર કરી હતી અને ટ્વિટર દ્વારા તેમના એકાઉન્ટ પણ લોક કરી દેવામાં આવ્યા હતા.