મેઘાલયમાં 'રૉકસ્ટાર' બન્યા રાહુલ ગાંધી, ગાયું 'હમ હોંગે કામયાબ'
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી પોતાની છબી બદલવાની કવાયત કરી રહ્યાં છે. ગુજરાત ચૂંટણી બાદ હવે તેમનું ધ્યાન મેઘાલયની ચૂંટણી પર ધ્યાન આપી રહ્યાં છે. મેઘાલયમાં રાહુલ ગાંધીનો રૉકસ્ટાર અવતાર જોઇ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. મંગળવારે મેઘાલયમાં ચૂંટણી અભિયાનોની શરૂઆત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના બિંદાસ યુવા અંદાજનો પરિચય આપ્યો હતો. કોંગ્રેસ પાર્ટી તરફથી શિલોંગમાં સેલિબ્રેશન ઓફ પીસ નામની એક મ્યૂઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાહુલ ગાંધીએ પણ એક ગીત ગાયું હતું.
રાહુલે ગાયું-We shall over come(હમ હોંગે કામયાબ)
મ્યૂઝિકલ નાઇટના સમાપન દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસ નેતાઓ સાથે મળીને લોકપ્રિય ગીત 'We Shall Over Come'(હમ હોંગે કામયાબ) ગાયું હતું. ડેશિંગ જેકેટ અને જીન્સમાં રાહુલ ગાંધી ખૂબ લાઇટ મૂડમાં હોય એમ લાગી રહ્યું હતું. તેમનો લૂક અને અંદાજ અંગે સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાતો થઇ રહી છે. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સાથે મેઘાલયના મુખ્યમંત્રી મુકુલ સંગમા, પાર્ટીના મહાસચિવ સીપી જોશી અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
#RahulRaGa : Congress President Rahul Gandhi and #Meghalaya CM @mukulsangma sings famous song ‘We Shall Over Come’... Congress Gen secy @drcpjoshi and other leaders joined them @aajtak @IndiaToday pic.twitter.com/s8oRLJsw9w
— Supriya Bhardwaj (@Supriya23bh) January 30, 2018
સોશ્યલ મીડિયા પર છવાયા રાહુલ
સોશ્યલ મીડિયા પર કેટલાક લોકોએ રાહુલના વખાણ કર્યા તો કેટલાકે એવી ટિપ્પણી પણ કરી છે કે, હાલ કોંગ્રેસ માટે આ ગાવું ખૂબ જરૂરી છે. વર્ષ 2014માં સત્તા છૂટ્યા બાદ એક-બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીને બાકાત રાખતાં તમામમાં કોંગ્રેસને હાર મળી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હાર છતાં કોંગ્રેસનો જનાધાર વધ્યો છે, જેને કારણે કોંગ્રેસનું મનોબળ ફરીથી જાગૃત થયું છે. હવે મેઘાલયમાં કોંગ્રેસ શું કમાલ કરે છે એ જોવું રહ્યું.