ખેડુત આંદોલનના સમર્થનમાં તમામ વિપક્ષી દળો સાથે રાહુલ ગાંધી જંતર મંતર જશે!
કોરોના વચ્ચે 19 જુલાઈથી શરૂ થયેલુ સંસદનું ચોમાસું સત્ર હંગામાની ભેટ ચડી રહ્યું છે. કોંગ્રેસ, ટીએમસી સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પેગાસસ જાસૂસી અને કૃષિ કાયદાને લઈને રાજ્યસભા અને લોકસભામાં હંગામો મચાવી રહી છે.
આ દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, શુક્રવારે તમામ વિપક્ષી પક્ષો કૃષિ કાયદા રદ કરવાની ખેડૂતોની માંગને સમર્થન આપવા માટે જંતર-મંતર પર જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ વિરોધમાં જોડાશે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ જંતર -મંતર પર કૂચ કરતા પહેલા સંસદ સત્ર માટે તેમની ભાવિ યોજનાઓ બનાવવા માટે એક બેઠક યોજી હતી. નોંધનીય છે કે ખેડૂતોના આંદોલનને આઠ મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે કોઈ બાબતે સર્વસંમતિ થઈ નથી. સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતાં ખેડૂતોએ કેન્દ્રને ઘેરવા માટે જંતર-મંતર પર ધામા નાખ્યા છે. ખેડૂતો ત્યાં તેમની સંસદ ચલાવીને ત્રણેય કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.