For Daily Alerts
નવા રેલ મંત્રી પિયુષ ગોયલે બોલાવી બેઠક, સુરક્ષા અંગે થઇ ચર્ચા
રેલવે મંત્રી પિયુષ ગોયલે રેલવે બોર્ડ અને રેલવે સલામતી નિયામક કચેરીના સભ્યોની એક ઝડપી બેઠક બોલાવી હતી, જેમાં રેલગાડીની કામગીરી અને સુરક્ષા ધોરણો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સુરક્ષાના મુદ્દે એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. નજીકના ભૂતકાળામાં ઘટેલ રેલવે દુર્ઘટનાઓ, તેની પાછળના કારણોનું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું અને તેને આધારે સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા થઇ હતી. આ બેઠકમાં રેલવે મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુરક્ષા સર્વોચ્ચ મુદ્દો છે અને આ બાબતે કોઇ પણ જાતનું સમાધાન થવું ન જોઇએ.
આ બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર, રેલવે દુર્ઘટનાઓ માટે મુખ્ય બે કારણો જવાબદાર છે.
- વર્ષ 2016-17માં થયેલ અકસ્માતો માટે 34% માનવરહિત સ્તરના ક્રોસિંગ જવાબદાર છે.
- ખામીયુક્ત રેલવે ટ્રેકને કારણે ગાડી પાટા પરથી ઉતરી જાય છે.
નજીકના ભૂતકાળામાં ગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે અનેક દુર્ઘટના ઘટી હતી. આથી આ બેઠકમાં ગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે થતા અકસ્માતોની સંખ્યા કઇ રીતે ઘટાડવી એની પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. રેલવે મંત્રી તરફથી રેલવે બોર્ડને સુરક્ષાની ખાતરી માટે નીચે મુજબના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ યોજનાના વ્યવસ્થિત અમલ માટે રેલવે મંત્રી દ્વારા રેલવે બોર્ડને નિયમિત નિરિક્ષણ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
- અત્યારથી લઇને એક વર્ષના સમયગાળાની અંદર તમામ માનવરહિત સ્તરના ક્રોસિંગ બને એટલી ઝડપથી દૂર કરવામાં આવે. પહેલાં "સ્પીડ, સ્કિલ એન્ડ સ્કેલ"ના મંત્ર સાથે આ કામ 3 વર્ષની અંદર પૂર્ણ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું, પરંતુ હવે 1 વર્ષથી પણ ઓછા સમયની અંદર આ કામ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે.
- રેલવે ટ્રેકના નવીનીકરણ અને રિપ્લેસમેન્ટને પ્રાથમિકતા આપવામાં આવે તથા દુર્ઘટનાથી અસરગ્રસ્ત વિસ્તારો જ્યાં ટ્રેકનું રિપ્લેસમેન્ટ બાકી છે, ત્યાં બને એટલી જલ્દી કામ પૂર્ણ કરવામાં આવે. ઉપયોગ માટે નિર્ધારિત પાટાઓનો ઉપયોગ પણ આ સ્થળોએ નવી લાઇનના નિર્માણ માટે કરવામાં આવે.
- નવા પાટાની ખરીદી પણ ઝડપથી અને મોટા પાયે કરવામાં આવે, જેથી નવી લાઇનનું નિર્માણ કામ જલ્દી પૂર્ણ થાય.
- પારંપરીક આઈસીએફ કોચનું નિર્માણકામ તાત્કાલિક બંધ કરવામાં આવે અને માત્ર નવી ડિઝાઇનના એલએચબી કોચનું જ નિર્માણ કરવામાં આવે.
- લોકોમેટિવમાં એન્ટિ-ફોગ એલઈડી લાઇટ્સ લગાવવામાં આવે, જેથી ધુમ્મસના વાતાવરણમાં રેલગાડીના સંચાલનમાં કોઇ તકલીફ ન આવે.