રાજ કુન્દ્રા પોતાની જ ટીમ પર સટ્ટો લગાવતા હતા: પોલીસ કમિશ્નર
નવી દિલ્હી, 6 જૂન: રાજસ્થાન રોયલ્સ ટીમના માલિક રાજ કુન્દ્રા વિશે મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસ કમિશ્નર નીરજ કુમારે કહ્યું છે કે રાજ કુન્દ્રા પોતાની જ ટીમ એટલે કે રાજસ્થાન રોયલ્સ પર પૈસા લગાવતાં હતા.
તેમને કહ્યું હતું કે રાજ કુન્દ્રાએ સટ્ટેબાજીની વાત કબૂલી લીધી છે. રાજ કુન્દ્રાએ સટ્ટેબાજીમાં પૈસા ગુમાવવાની વાત પણ માની છે. નીરજ કુમારે કહ્યું હતું કે રાજ કુન્દ્રા પોતાના મિત્ર ઉમેશ ગોયનકાના માધ્યમથી સટ્ટેબાજી કરતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મુદ્દે રાજસ્થાન રોયલ્સના માલિક અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો છે. તેમના મિત્ર ઉમેશ ગોયનકાને સરકારી સાક્ષી બનાવવામાં આવ્યાં છે.
આ સાથે જ આઇપીએલના સ્પૉટ ફિક્સિંગ પ્રકરણ અને સટ્ટેબાજીમાં સામેલ હોવાના આરોપોના સંબંધમાં રાજસ્થાન રોયલ્સ ટીમના માલિક રાજ કુન્દ્રા હદથી વધારે કલાક સુધી પૂછપરછ કર્યા બાદ દિલ્હી પોલીસે તેમનો પાસપોર્ટ જપ્ત કરી લીધો છે. પોલીસે રાજ કુન્દ્રાને દેશ છોડીને જવાને મનાઇ કરી દિધી છે.