કૃષિ કાયદા પર PMની ઘોષણા બાદ રાકેશ ટિકેતે કહ્યુ - આંદોલન તત્કાલ પાછુ નહિ ખેંચાય...
ગાઝિયાબાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને પોતાના 11માં સંબોધન દરમિયાન ત્રણ કૃષિ કાયદા બિલ પાછા લેવાની ઘોષણા કરી ત્યારબાદ ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય પ્રવકતા રાકેશ ટિકેતનુ નિવેદન સામે આવ્યુ છે. ટિકેતે કહ્યુ કે પ્રધાનમંત્રીએ ત્રણે કાયદાને પાછા લેવાની ઘોષણા કરી છે પરંતુ લઘુત્તમ ટેકાના મૂલ્ય પર કમિટિ બનાવવા અને વિજળી અમેન્ડમેન્ટ સહિત અન્ય મુદ્દાઓ પર હજુ વાત થવાની બાકી છે.
આંદોલન તત્કાલ પાછુ નહિ ખેંચાય...
રાકેશ ટિકેતે પીએમ મોદીની ઘોષણા બાદ એક ટ્વિટમાં કહ્યુ, 'આંદોલન તત્કાલ પાછુ નહિ થાય, અમે એ દિવસની રાહ જોઈશુ જ્યારે કૃષિ કાયદાને સંસદમાં રદ કરવામાં આવશે. સરકાર MSP સાથે-સાથે ખેડૂતોના બીજા મુદ્દાઓ પર પણ વાતચીત કરે.' લઘુત્તમ ટેકાના મૂલ્ય પર કમિટી બનાવવા અને વિજળી બિલ સહિત ઘણા મુદ્દાઓ પર હજુ વાત કરવાની બાકી છે.
પીએમ મોદીએ ત્રણે કૃષિ કાયદાને પાછા લેવાની ઘોષણા કરી
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે 9 વાગે રાષ્ટ્રને સંબોધિત કરીને ત્રણે કાયદા પાછા લેવાની ઘોષણા કરી છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ, પીએમ મોદીએ કહ્યુ કે ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનુ સ્વાગત કર્યુ અને સમર્થન કર્યુ. હું બધાનો ખૂબ આભારી છુ.
વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાના, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણપણે સમજાવી શક્યા નથી. તેમછતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયત્ન કર્યો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. પીએમ મોદીએ કહબ્યુ કે અમે કૃષિ કાયદા પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી કે તમે તમારા ઘરે, તમારા ખેતરમાં પાછા ફરો, પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.