For Quick Alerts
For Daily Alerts
આ દશેરાએ સૂટ બૂટમાં જોવા મળશે રાવણ
જયપુર, 7 ઑક્ટોબર : બાળકોથી લઇને વડીલો દર વર્ષે રાવણના પૂતળાદહનની આતુરતાથી રાહ જોતા હોય છે. દુષ્કર્મ પર સત્કર્મના પ્રતીક સમાન તહેવારમાં પૂતળાદહન સમયે થતી આતશબાજી જોવા લોકો ઉત્સુક હોય છે. પણ આ વર્ષે પૂતળાને જયપુરવાસીઓ આતશબાજી નહીં પણ રાવણના પૂતળાને જોવા માટે ભારે ઉત્સુક છે. કારણ એ છે કે દસ માથાવાળા પૌરાણિક પાત્ર રાજા રાવણ આ વર્ષે દશેરામાં સૂટ બૂટમાં દેખાશે.
આ મહિનાના છેલ્લા સપ્તાહમાં આવી રહેલી દશેરા માટે પૂતળા બનાવનારાઓ ગણેશ ઉત્સવની જેમ રાવણ દહન માટેના પૂતળા તૈયાર કરવા અવનવા વેશ તૈયાર કરી રહ્યા છે. જયપુરના ગોપાલપુરા બાયપાસ પાસે આવેલી રાવણ મંડીમાં પૂતળા તૈયાર કરતા કલાકારોએ રાવણને પરંપરાગત ધોતી, મુગટ અને અલંકારોમાં તૈયાર કરવાને બદલે સૂટ બૂટમાં તૈયાર કર્યા છે.
જયપુરમાં જોગી સમાજના 160 પરિવારોના અંદાજે 300 સભ્યો પૂતળા બનાવવાના વ્યવસાયમાં કાર્યરત છે. આ સભ્યો પૈકી જગદીશ જોગીએ જણાવ્યું કે "આ વર્ષે રાવણ અલગ દેખાય તે માટે અમે તેના વસ્ત્ર પરિધાન અને ઉભા રહેવાની સ્ટાઇલમાં ફેરફાર કર્યો છે. ઘણા વર્ષોથી અમે એક જેવા જ પૂતળા તૈયાર કરતા આવ્યા છે. આથી આ વર્ષે અમે તેમને સૂટ બૂટ પહેરાવ્યા છે અને તેમના ચહેરાના ભાવમાં પણ થોડો ફેરફાર કર્યો છે."