યોગી આદિત્યનાથનો ઉદય: શું યોગી મોદી પછી આગામી પીએમ ઉમેદવાર બનશે?
વર્ષ 2014 પછી ભાજપ લોકપ્રિય બક્ષ બની ગયો છે, 2014 પછીની બંને લોકસભા ચૂંટણી અને મોટાભાગની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને જબરો પ્રતિસાદ મળ્યો છે. શરૂઆતમાં મોદી લહેરને કારણે ભાજપને જબરો ફાયદો થયો હતો, જેમ કે 2014ની લોકસભા ચૂંટણી બાદ વિકાસના મુદ્દાઓ પર ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતના રાજ્યોમાં ભાજપે ચૂંટણી લડી હતી અને મોટાભાગના રાજ્યોમાં ચૂંટણી જીતી પણ હતી. ધીમે ધીમે મોદી લહેર ભાજપ પ્રેમમાં બદલાતી ગઈ અને હવે લોકો મોદીનો ચહેરો જોઈને નહી બલકે કમળને જોઈને મતદાન કરી રહ્યા છે તેમ કહીએ તો અતિશ્યોક્તિ નહીં થાય. પરંતુ શું મોદી પછી ભાજપ પાસે કોઈ વડાપ્રધાન પદ માટેનો ચહેરો છે? શું મોદી પછી યોગી આદિત્યનાથ વડાપ્રધાન પદના દાવેદાર સાબિત થઈ શકે છે?
શું પીએમ પદનો ચહેરો બની શકે યોગી આદિત્યનાથ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી ભાજપ તરફથી પીએમ પદનો ચહેરો યોગી આદિત્યનાથ હોય શકે છે, જેનું મુખ્ય કારણ છે તેમનું ગૃહરાજ્ય ઉત્તર પ્રદેશ. ભારતમાં સૌથી વધુ વિધાનસભા સીટ (403) ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશનો સૌથી મોટો લાભ યોગી આદિત્યનાથને મળશે. ભારતીય રાજનીતિના ઈતિહાસ પર નજર નાખીએ તો આઝાદી પછીથી અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશે દેશને 15માંથી કુલ 9 વડાપ્રધાન આપ્યા છે, અને ઉત્તર પ્રદેશે દેશને 1 રાષ્ટ્રપતિ (રામનાથ કોવિંદ) આપ્યા છે. ઉત્તર પ્રદેશે આપેલા વડાપ્રધાન પર નજર ફેરવીએ તો જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, ચૌધરી ચરણ સિંહ, રાજીવ ગાંધી, વિશ્વનાથ પ્રતાપ સિંહ, ચંદ્રશેખર, અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી (2014ની લોકસભા ચૂંટણી વડોદરા અને વારાણસી બંને સીટ પરથી જીતીને પીએમ બન્યા હતા.)નો સમાવેશ થાય ચે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીએ અજય સિંહ બિસ્ત એટલે કે યોગી આદિત્યનાથ પર ભરોસો રાખ્યો હતો અને 312 સીટ જીતીને યોગી આદિત્યનાથ પીએમ મોદીના ભરોસા પર ખરા ઉતર્યા હતા. તે સમયે ભાજપને 39.67% વોટશેર મળ્યો હતો અને 22.23% વોટશેર સાથે બહુજન સમાજ પાર્ટી બીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી. 2012માં ભાજપ માત્ર 47 સીટ જ જીત્યું હતું. ત્યારે યોગી આદિત્યનાથે રાજનીતિમાં મહત્વનો ભાગ ભજવતા યુપીને ભાજપના ખોળામાં ધરી દીધું, અને હવે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટમી 2022 માં પણ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવી ભાજપ ચૂંટણી લડી રહ્યું છે અને બહુમતીથી જીતી પણ રહ્યું છે. ત્યારે યોગી આદિત્યનાથની કાબિલિયત પર શંકાને સ્થાન નથી.
કોણ છે યોગી આદિત્યનાથ?
યોગી આદિત્યનાથનું સાચું નામ અજય મોહન બિષ્ટ છે. તેમનો જન્મ 5 જૂન 1972ના રોજ પૌડી ગઢવાલ (અત્યારના ઉત્તરાખંડ) જિલ્લાના પંચૂર ખાતે થયો હતો. તેમણે વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરી. 22 વર્ષની ઉંમરમાં પોતાના પારિવારિક જીવનનો સ્વીકાર કર્યો અને એક ભિક્ષુક બની ગયા. એક સ્થાને રહીને ભગવાનની પૂજા કરવાને બદલે તેમણે આખા રાજ્યમાં હરીફરીને જાગરુકતા ફેલાવવાનો વિકલ્પ પસંદ કર્યો. તેમણે પૂર્વી ઉત્તર પ્રદેશમાં જનજાગરણ અભિયાન શરૂ કર્યું. તેમણે અસ્પૃશ્યતા સામે પોતાનો વિરોધ જતાવવા માટે તમામ જાતિ અને ધર્મોના લોકો સાથે ભોજન કર્યું. તેમણે 1998માં પોતાની પહેલી લોકસભા ચૂંટણી લડી અને સાંસદ બન્યા. યૂપીના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ તેમણે સાંસદ પદેથી રાજીનામું આપ્યું.
રાજનૈતિક ઘટનાક્રમ
- 1998 થી 1999 સુધી, તેમણે ખાદ્ય, નાગરિક પુરવઠા અને જાહેર વિતરણ પરની સ્થાયી સમિતિ અને ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ વિભાગની પેટા-સમિતિ-બીના સભ્ય તરીકે સેવા આપી હતી. આ સિવાય તેઓ ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય હતા.
- 1998માં યોગી આદિત્યનાથ ગોરખપુર સીટથી લોકસભા ચૂંટણી માટે ચૂંટાયા. તેમણે સમાજવાદી પાર્ટીના જમુના પ્રસાદ નિષાદને હરાવ્યા
- 1999માં તેઓ 13મી લોકસભા ચૂંટણી માટે ફરીથી ચૂંટાયા. 1999થી 2000 સુધી તેમને ખાદ્ય, નાગરિક પુરવઠા અને જાહેર વિતરણ પરની સ્થાયી સમિતિ અને ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કર્યા.
- 2004માં એજ મતદાન ક્ષેત્રથી 14મી લોકસભા (ત્રીજો કાર્યકાળ) માટે ફરી ચૂંટાયા. આ ઉપરાંત તેઓ સરકારી ખાતરી સમિતિ; સભ્ય, બાહ્ય સંબંધો પરની સ્થાયી સમિતિ; ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય બન્યા.
- 2009માં તેઓ લોકસભા (ચોથા કાર્યકાળ) માટે ફરીથી ચૂંટવામાં આવ્યા. 31 ઓગસ્ટ 2009ના રોજ તેઓ પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ સંબંધી સ્થાયી સમિતિના સભ્ય અને ગડૃહ મંત્રાલયના સલાહકાર સમિતિના સભ્ય બન્યા.
- 2014માં તેઓ ફરીથી 16મી લોકસભા (5મો કાર્યકાળ) માટે ચૂંટાયા. આ વખતે તેમણે સમાજવાદી પાર્ટીના રાજમતી નિષાદને હરાવ્યાં.
- 29 જાન્યુઆરી 2015થી 21 સપ્ટેમ્બર 2017 સુધી તેમણે સામાન્ય પ્રયોજન સમિતિના સભ્યના રૂપમાં કામ કર્યું.
- 2017માં તેમણે લોકસભામાંથી રાજીનામું આપી દીધું અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં ચૂંટાઈ આવ્યા.