મુસલમાનો બાદ LGBTQ સમાજ પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહી મોટી વાત
હજુ થોડા સમય પહેલા જ સુપ્રિમ કોર્ટે 157 વર્ષ જૂની આઈપીસીની કલમ 377 ના એક ભાગને હટાવીને બે વયસ્કો વચ્ચે સંમતિથી બનેલા સમલૈંગિક યૌન સંબંધોને પરવાનગી આપી તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) એ આ ચૂકાદા પર પોતાની સંમતિ વ્યક્ત કરી પરંતુ સંઘ આ પ્રકારના સંબંધો હોવા પર પોતાના દ્રષ્ટિકોણને વળગી રહ્યુ કે સમલૈંગિક સંબંધો પ્રકૃતિને અનુરૂપ નથી. હવે દિલ્હીમાં થયેલા પોતાના કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે LGBTQ સમાજ એ સમાજનો જ એક ભાગ છે અને તેને અલગ ન કરી શકાય. સંઘ પ્રમુખના આ નિવેદનની ઘણા લોકો પ્રશંસા કરી રહ્યા છે.

LGBTQ સમાજનો હિસ્સો
ભવિષ્યનું ભારત - આરએસએસનો દ્રષ્ટિકોણ કાર્યક્રમમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે સમય બદલાઈ રહ્યો છે અને સમાજે પણ આવા મુદ્દાઓ પર વિચાર કરવાનો રહેશે. પરંતુ તેમણે એ પણ કહ્યુ કે સમલૈંગિક અધિકાર જ એકમાત્ર મુદ્દો નથી જેના પર ચર્ચા થવી જોઈએ અન્ય પણ ઘણી વસ્તુઓ છે.
આ પણ વાંચોઃ પાક પીએમ ઈમરાન ખાને પત્ર લખી પીએમ મોદી સાથે વાતચીતની કરી અપીલ

સમલૈંગિકતાની વિરુદ્ધમાં રહ્યુ છે સંઘ
આરએસએસ પારંપરિક રીતે સમલૈંગિકતાની વિરુદ્ધમાં રહ્યુ છે પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયના ચૂકાદા સાથે તેની સંમતિને એક મહત્વપૂર્ણ બદલાવ રૂપે જોવામાં આવી રહ્યુ છે. 2016 માં એક કાર્યક્રમમાં વરિષ્ઠ આરએસએસ નેતા દત્તાત્રેય હોસબોલેને સમલૈંગિકતા પર આપેલા પોતાના નિવેદન બાદ તેના પર સ્પષ્ટતા કરવી પડી હતી. હોસબોલેએ કહ્યુ હતુ કે સેક્સની પસંદગી કરવી દરેકનો પોતાનો પર્સનલ મામલો છે અને તે ગુનો નથી. તે લોકોની પર્સનલ વાત છે. પરંતુ આગલા દિવસે જ દત્તાત્રેયે કહ્યુ કે સમલૈંગિકોને સજા આપવાની જરૂર નથી પરંતુ તે માનસિક વિકૃતિની બાબત છે. સમલૈંગિક લગ્નોને માન્યતા ન આપવી જોઈએ. આના પર રોક લગાવવી જોઈએ.

બદલાવના ઘણા અર્થ
ભવિષ્યનું ભારત - આરએસએસનો દ્રષ્ટિકોણ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે ઘણા એવા નિવેદન આપ્યા જેના માટે કહેવામાં આવી રહ્યુ છે કે હવે સંઘ પણ સમય સાથે કંઈક બદલાવ તરફ જઈ રહ્યો છે. મોહન ભાગવતના એ નિવેદનની પણ ચર્ચા છે જેમાં તેમણે ભારતમાં મુસલમાનો વિના હિંદુત્વને અધુરુ ગણાવ્યુ છે. હવે સમલૈંગિકતા પર તેમના નિવેદનને પણ લોકો સકારાત્મક લઈ રહ્યા છે. વળી, ઘણા લોકોનું એમ પણ કહેવુ છે કે સંઘના આ નિવદનો માત્ર ચૂંટણીના કારણે આપવામાં આવ્યા છે. જો ખરેખર આરએસએસ બદલાવ ઈચ્છતુ હોય તો તેણે પોતાના બધા સંગઠનોમાં બદલાવ કરવો પડશે જેના લોકો અવારનવાર ભડકાઉ નિવેદનો આપતા રહે છે.

સુપ્રિમ કોર્ટે કહ્યુ તર્કહીન
સમલૈંગિકતા પર સુપ્રિમ કોર્ટે પોતાના 2013 ના ચૂકાદાને ફગાવી દેતા કહ્યુ હતુ કે કલમ 377 બ્રિટિશ કાળનો કાયદો છે અને તે હેઠળ સમલૈંગિક યૌન સંબંધો પર પ્રતિબંધ તર્કહીન અને મનસ્વી હતો. ચૂકાદો સંભળાવતા મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ કહ્યુ હતુ કે ‘કોઈ પણ પોતાના વ્યક્તિત્વથી બચી નથી શકતુ, દરેક વાદળમાં ઈન્દ્રધનુષની શોધ હોવી જોઈએ. કલમ 377 મનસ્વી કાયદો છે.' ચૂકાદો વાંચતી વખતે ચીફ જસ્ટીસે કહ્યુ હતુ ‘હું જેવો છુ મને તેવો જ સ્વીકાર કરો'
આ પણ વાંચોઃ મધ્યપ્રદેશઃ 4 વર્ષની બાળકી સાથે બળાત્કારના આરોપી શિક્ષકને ફાંસીની સજા