CJI રંજન ગોગોઇના રીટાયર્ડમેન્ટ બાદ જસ્ટિસ એસએ બોબડે બનશે નવા CJI
જસ્ટિસ શરદ અરવિંદ બોબડે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) બનશે. તેઓ 18 નવેમ્બરે સીજેઆઈ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સોમવારે શરદ અરવિંદ બોબડેને ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાની વોરંટ પર હસ્તાક્ષર કર્યા હતા. વર્તમાન સીજેઆઈ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી કે હવે પછીના સીજેઆઈ શરદ અરવિંદ બોબડેને બનાવવામાં આવે. હાલમાં તે સુપ્રીમ કોર્ટમાં જજ છે.
શરદ અરવિંદ બોબડે કોણ છે?
શરદ અરવિંદ બોબડે મૂળ મહારાષ્ટ્રના છે. તેમનો જન્મ 24 એપ્રિલ 1956ના રોજ નાગપુરમાં થયો હતો. તેમનો પરિવાર પણ વકીલાત સાથે સંકળાયેલો છે. બોબડેના પિતા અરવિંદ શ્રીનિવાસ બોબડે મહારાષ્ટ્રના એડવોકેટ જનરલ રહ્યા છે. શરદ અરવિંદ બોબડેએ નાગપુર યુનિવર્સિટીમાંથી બીએ અને એલએલબીનો અભ્યાસ કર્યો હતો. હાલમાં તે સુપ્રીમ કોર્ટના બીજા સિનિયર જજ છે.
29 માર્ચ, 2000 ના રોજ બોબડે એડિશનલ જજ તરીકે બોમ્બે હાઈકોર્ટની બેંચનો ભાગ બન્યા હતા. આ પછી, 16 ઓક્ટોબર 2012 ના રોજ, તેઓ મધ્ય પ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. તેને 12 એપ્રિલ 2013ના રોજ દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતુ. આ પદ પર તેમનો કાર્યકાળ 23 એપ્રિલ, 2021 ના રોજ સમાપ્ત થશે.
President Ram Nath Kovind signs warrant appointing Justice Sharad Arvind Bobde as the next Chief Justice of India (CJI), he will take oath on November 18th. Current CJI Justice Ranjan Gogoi retires on November 17th. pic.twitter.com/dCiALYqdj8
— ANI (@ANI) October 29, 2019
પરંપરા અનુસાર, હાલના સીજેઆઈ આગામી સીજેઆઇના નામની ભલામણ કરે છે. સીજેઆઈ રંજન ગોગોઈની મુદત 17 નવેમ્બર 2019ના રોજ સમાપ્ત થાય છે. નવા મુખ્ય ન્યાયાધીશ માટે ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેના નામની દરખાસ્ત માટે તેમણે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.
રંજન ગોગોઈએ 3 ઓક્ટોમ્બર 2018 ના રોજ ભારતના 46માં સીજેઆઈ તરીકે શપથ લીધા હતા. તમને જણાવી દઈએ કે સીજેઆઈ ગોગોઈ અયોધ્યા કેસની સુનાવણી કરી રહ્યા છે. કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને 17 નવેમ્બર સુધીમાં ચુકાદો સુરક્ષિત રખાયો છે.