કપિલ મિશ્રાનો દાવો, કેજરીવાલ પર 'મહાખુલાસો' કરશે આજે
દિલ્હીના પૂર્વ મંત્રી કપિલ મિશ્રાએ ધરણાના ચોથા દિવસે પણ પત્રો, નિવેદનો અને ટ્વીટ દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર હુમલો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, આજે એટલે કે રવિવારે સવારે તેઓ પુરાવાઓ અને ડોક્યુમેન્ટ્સ સાથે ઘણી જાણકારીઓ સામે લાવશે. કપિલ મિશ્રા અનુસાર, આનાથી 'આપ'ના નેતાઓની વિદેશની મુલાકાતોનું સત્ય અને પડદા પાછળ રમાતું રાજકારણ પણ સામે આવશે તથા અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીનું પદ છોડવું પડશે.
કપિલ મિશ્રાએ દાવો કર્યો છે કે, તેમનો આ ખુલાસો આપ પાર્ટી પર વિશ્વાસ કરતી દિલ્હીની જનતા ચોંકી ઉઠશે.
ઉલ્લેખનીય છે કે, કપિલ મિશ્રા ભૂખ હડતાલ પર બેઠા છે, તેમની માંગણી છે કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 'આપ'ના પાંચ નેતાઓ - સંજય સિંહ, આશીષ ખેતાન, સત્યેન્દ્ર જૈન, રાઘવ ચડ્ઢા અને દુર્ગેશ પાઠક - ની છેલ્લા બે વર્ષો દરમિયાનની વિદેશ યાત્રાઓ અંગેની જાણકારી જાહેર કરે.
'ભાજપ આયોજિત' ભૂખ હડતાલ
દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કપિલ મિશ્રાની ભૂખ હડતાલ 'ભાજપ આયોજિત' હોવાનો દાવો કર્યો છે. જ્યારે કપિલ મિશ્રાનું કહેવું છે કે, તેમનો સત્યાગ્રહ ભંગ કરવાની કેજરીવાલનો પ્રયત્ન સફળ નહીં થાય.
કપિલ મિશ્રાએ કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ મુક્યો
ઉલ્લેખનીય છે કે, કપિલ મિશ્રાના ધરણા અંગે અન્નપૂર્ણા મિશ્રાએ પણ કેજરીવાલને પત્ર લખ્યો હતો અને તેમની પર નિશાન સાધ્યું હતું. કપિલ મિશ્રાએ કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ મુક્યો છે. તેમનો દાવો છે કે, કેજરીવાલે સત્યેન્દ્ર જૈન પાસેથી 2 કરોડ રૂપિયા લીધા છે. મિશ્રાએ કહ્યું હતું કે, મેં સીબીઆઇમાં અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ત્રણ મામલા નોંધાવ્યા છે. તપાસ થવા દો, તમામ વાતો સ્પષ્ટ થઇ જશે.
{promotion-urls}