સૌરભ કૃપાલ ભારતના પ્રથમ ગે જજ બનશે, કોલેજિયમે મંજૂરી આપી!
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે વરિષ્ઠ વકીલ સૌરભ કૃપાલને દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. જો કોલેજિયમની આ ભલામણ મંજૂર થશે તો સૌરભ કૃપાલ ભારતના પ્રથમ ગે જજ બનશે. કૃપાલ જાહેરમાં પોતાને ગે તરીકે ઓળખાવે છે અને સમલૈંગિક મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવે છે.
આ સંદર્ભમાં માહિતી આપતા સુપ્રીમ કોર્ટ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે કે 11 નવેમ્બરના રોજ કોલેજિયમની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સૌરભી કૃપાલના નામની ભલામણ કરવામાં આવી છે. આ વર્ષની શરૂઆતમાં ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેએ કેન્દ્ર સરકારને સૌરભ કૃપાલને ન્યાયાધીશ બનાવવા માટે પુછ્યુ હતું અને કેન્દ્ર સરકારને તેના વિશે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરવા કહ્યું હતું.
આ પહેલીવાર નથી જ્યારે સૌરભ કૃપાલને જજ બનાવવા માટે કહેવામાં આવ્યું હોય. આ પહેલા ચાર વખત એવું બન્યું છે જ્યારે તેમના નામની ચર્ચા થઈ હતી પરંતુ દરેકે અલગ-અલગ અભિપ્રાય આપ્યા હતા. સૌરભ કૃપાલના નામની સૌપ્રથમ 2017માં કોલેજિયમ દ્વારા દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી હતી.
સૌરભ કૃપાલે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી સ્નાતક થયા બાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. આ પછી તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી જ અનુસ્નાતક (કાયદો) કર્યું. સૌરભ લાંબા સમયથી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. તેમણે જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર સાથે પણ કામ કર્યું છે. સૌરભ નવતેજ સિંહ જોહર વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાના કેસ માટે જાણીતા છે. વાસ્તવમાં તે કલમ 377 હટાવવા માટે અરજીકર્તાના વકીલ હતા. સપ્ટેમ્બર 2018 માં કલમ 377 સંબંધિત કાયદાને સુપ્રીમ કોર્ટે હટાવી દીધો હતો.