રાજીવ ગાંધી હત્યાકાંડ કેસમાં સુપ્રીમનો મોટો નિર્ણય, એજી પેરારીવલનને સજામાંથી મુક્ત કરવા આપ્યો આદેશ
સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી હત્યા કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા એજી પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. પેરારીવલન 30 વર્ષથી વધુ સમયથી જેલમાં છે. સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણીમાં જ કહ્યું હતું કે જો સરકાર કોઈ નિર્ણય નહીં લે તો અમે તેને છોડી દઈશું. છેલ્લી સુનાવણીમાં જ સુપ્રીમ કોર્ટે સરકારના સ્ટેન્ડને 'વિચિત્ર' ગણાવ્યું હતું. વાસ્તવમાં, કેન્દ્રએ જવાબ આપ્યો કે તમિલનાડુના રાજ્યપાલે દોષિતને મુક્ત કરવાના રાજ્ય કેબિનેટના નિર્ણયને રાષ્ટ્રપતિને મોકલી દીધો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે જેલમાં ટૂંકી સજા કાપી રહેલા લોકોને મુક્ત કરવામાં આવી રહ્યા છે તો કેન્દ્ર શા માટે તેમને મુક્ત કરવા માટે સંમત નથી થઈ શકતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે રાજ્યપાલનો નિર્ણય ખોટો અને બંધારણની વિરુદ્ધ છે કારણ કે તેઓ રાજ્ય કેબિનેટની સલાહથી બંધાયેલા છે અને તેમનો નિર્ણય બંધારણના સંઘીય માળખા પર પ્રહાર કરે છે. જસ્ટિસ એલએન રાવ અને બીઆર ગવઈની ખંડપીઠે કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજાને એક સપ્તાહમાં યોગ્ય દિશાનિર્દેશો મેળવવા કહ્યું હતું, નહીં તો તે પેરારીવલનની અરજી સ્વીકારશે અને આ કોર્ટના અગાઉના ચુકાદા મુજબ તેમને મુક્ત કરશે.

વિશેષાધિકાર હેઠળ ચુકાદો જાહેર કર્યો
સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ આપવામાં આવેલા વિશેષાધિકારો દ્વારા પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. પેરારીવલન કેસમાં દયાની અરજી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ વચ્ચે પેન્ડિંગ છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ મોટું પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્ય કેબિનેટનો નિર્ણય રાજ્યપાલને બંધનકર્તા છે અને તમામ દોષિતોની મુક્તિનો માર્ગ ખુલ્લો છે.

સુપ્રીમ કોર્ટનુ બ્રહ્માસ્ત્ર
જસ્ટિસ એલ. નાગેશ્વર રાવની આગેવાની હેઠળની બેન્ચે કલમ 142 હેઠળના તેના વિશેષાધિકારનો ઉપયોગ કરીને પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું, "રાજ્ય કેબિનેટે સંબંધિત ચર્ચાના આધારે નિર્ણય લીધો. કલમ 142નો ઉપયોગ કરીને દોષિતોને મુક્ત કરવા યોગ્ય રહેશે.બંધારણની કલમ 142 સર્વોચ્ચ અદાલતને વિશેષાધિકાર આપે છે જેના હેઠળ તેનો નિર્ણય સર્વોપરી છે સિવાય કે આ મામલે અન્ય કોઈ કાયદો લાગુ કરવામાં આવે.

2014માં સર્વોચ્ચ અદાલતે નિર્ણય બદલ્યો હતો
ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના હત્યારા એ.જી. પેરારીવલનને 9 માર્ચના રોજ અદાલત દ્વારા જામીન આપવામાં આવ્યા હતા કારણ કે સજા અને પેરોલની સેવા દરમિયાન તેમના વર્તન અંગે કોઈ ફરિયાદ મળી નથી. સર્વોચ્ચ અદાલત 47 વર્ષીય પેરારીવલનની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં 'મલ્ટિ-ડિસિપ્લિનરી મોનિટરિંગ એજન્સી' (MDMA) દ્વારા તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માંગ કરવામાં આવી હતી. 21 મે, 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં ચૂંટણી રેલી દરમિયાન વિસ્ફોટ કરનાર મહિલા આત્મઘાતી બોમ્બર દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. મહિલાની ઓળખ ધનુ તરીકે થઈ હતી. કોર્ટે તેના મે 1999ના આદેશમાં ચાર દોષિતો, પેરારીવલન, મુરુગન, સંથન અને નલિનીને આપવામાં આવેલી ફાંસીની સજાને યથાવત રાખી હતી. 18 ફેબ્રુઆરી, 2014 ના રોજ, સર્વોચ્ચ અદાલતે પેરારીવલન, સંથન અને મુરુગનની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી. કેન્દ્ર સરકાર દ્વારા તેમની દયાની અરજીના નિકાલમાં 11 વર્ષના વિલંબના આધારે કોર્ટે મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલવાનો નિર્ણય લીધો હતો.