• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતમાં સ્કૂલો ફરી ખૂલશે, વાલીઓએ ધ્યાને રાખવાના નિયમો શું છે?

By BBC News ગુજરાતી
|

23મી નવેમ્બરથી ગુજરાત રાજ્યમાં શાળા-કૉલેજો ફરીથી ખોલવાની જાહેરાત શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા કરવામાં આવી છે.

કોરોના વાઇરસના સંક્રમણના પગલે દેશભરમાં લાદી દેવાયેલા લૉકડાઉન બાદ એટલે કે અંદાજે આઠેક મહિના બાદ શાળાઓ ખૂલી રહી છે.

ઉલ્લેખનીય છે કે અત્યારે ધોરણ 9થી 12ની એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વર્ગો માટે શાળામાં વર્ગો શરૂ થશે. આ સાથે કૉલેજ અને યુનિવર્સિટીઓમાં પણ વર્ગો શરૂ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારની શાળાઓ ખોલવા માટેની એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર)ના આધારે ગુજરાત સરકાર દ્વારા પણ ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે.


વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાસંચાલકોએ ધ્યાને લેવાની બાબતો

 • શાળામાં આવવા માગતા વિદ્યાર્થીનાં માતાપિતા અથવા વાલીની સંમતિ શાળાએ મેળવવાની રહેશે.
 • સંમતિ માટેનાં ફોર્મ સાથે વાલીઓને અગત્યની સૂચનાઓ અને નિયમો પણ મોકલવામાં આવશે.
 • વિદ્યાર્થીઓ, શિક્ષકો અમે સ્ટાફે ફરજિયાત માસ્ક પહેરવો અને સૅનિટાઇઝરનો ઉપયોગ કરવો.
 • શાળામાં હાથ ધોવા માટે સાબુ તથા સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે.
 • શાળાપ્રવેશ વખતે થર્મલ ગનથી સ્ક્રીનિંગની કરવાનું રહેશે.
 • વર્ગોમાં બેઠક વ્યવસ્થા માટે 6 ફૂટનું અંતર રાખવાનું રહેશે.
 • શાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું.
 • સામૂહિક પ્રાર્થના કે મેદાન પરની રમત-ગમત થઈ શકશે નહીં.
 • વર્તમાન ઑનલાઇન ઍજ્યુકેશનની વ્યવસ્થા યથાવત્ રાખવામાં આવશે.
 • વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રાખવામાં નહીં આવે.
 • શાળામાં ભીડભાડ નિવારવા ઑડ-ઇવન પદ્ધતિનો અમલ કરવા સૂચન.
 • સપ્તાહમાં ત્રણ દિવસ ધોરણ 9 અને 11 અને ત્રણ દિવસ ધો-10 અને 12નું શિક્ષણકાર્ય ચાલુ રહેશે.
 • મધ્યાહન ભોજનને બદલે સબસિડીની રકમ ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓનાં ખાતાંમાં પહોંચે એવું આયોજન કરાશે.

શિક્ષણમંત્રીએ શું કહ્યું?

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બુધવારે કહ્યું કે "કોવિડ મહામારીને કારણે લૉકડાઉન લાગુ કરવું પડ્યું હતું અને માર્ચ મહિનાથી શાળા-કૉલેજો બંધ હતી, પંરતુ શિક્ષણવિભાગે શિક્ષણકાર્ય ન બગડે એ માટે ઑનલાઇન લર્નિંગની વ્યવ્થા કરી હતી."

"બધી જ સેવાઓ ધીમે-ધીમે અનલૉક થઈ રહી છે, એ જ રીતે શિક્ષણકાર્ય પણ તબક્કાવાર શરૂ થાય એનો નિર્ણય કરવામાં આવ્યો છે."

શિક્ષણમંત્રીનું કહેવું છે કે આ અંગે નિષ્ણાતો, શાળા-સંચાલકો, વાલીઓની સાથે બેઠકો કરીને સરકારે આખરી નિર્ણય કર્યો છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ઑનલાઇન શિક્ષણની વ્યવસ્થા પણ ચાલુ રહેશે, શાળા ખૂલશે તો ભારત સરકારની એસઓપી લાગુ થશે.


જ્યાં શાળાઓ ફરી બંધ કરવાનો વારો આવ્યો…

કેન્દ્રીય માનવસંસાધન મંત્રાલયે 15 ઑક્ટોબરથી સ્કૂલો ખોલવા અંગે દિશાનિર્દેશ બહાર પાડ્યાં હતાં પરંતુ કેટલાંક રાજ્યોમાં શાળાઓ ખોલ્યાં પછી સંક્રમણ વધતાં શાળાઓ ફરી બંધ કરવાનો વારો આવ્યો છે.

આંધ્ર પ્રદેશમાં ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ તથા 15 અને 16 વર્ષનાં વિદ્યાર્થીઓ માટે સરકારી સ્કૂલો ખોલી છે.

અહેવાલો અનુસાર આંધ્રપ્રદેશમાં સ્કૂલ ખોલ્યા બાદ 879 શિક્ષકો અને 575 વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે.

ઓડિશાએ 16 નવેમ્બરથી ધીમે-ધીમે સ્કૂલો ફરીથી ખોલવાનો નિર્ણયને ટાળી દીધો છે. હવે ઓડિશામાં સ્કૂલો 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે.

ઉત્તરાખંડમાં પણ બીજી નવેમ્બરથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવામાં આવી હતી, ત્યાં પૌડી ગઢવાલ જિલ્લાની 23 શાળાઓમાં 80 શિક્ષકો કોરોના પૉઝિટિવ થયા છે.

સ્કૂલો ખોલવાના પાંચ દિવસ પછી કોરોના વાઇરસ સંક્રમણ વધવાને કારણે પાંચ બ્લૉક્સમાં 84 શાળાઓ બંધ કરવી પડી હતી. મિઝોરમમાં પણ સંક્રમણ વધતાં શાળાઓ બંધ કરવી પડી હતી.

તામિલનાડુમાં 16 નવેમ્બરથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સરકાર, સરકારી સહાય મેળવતી સ્કૂલો અને ખાનગી સ્કૂલો ખૂલશે. ગોવામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે 21 નવેમ્બરથી સ્કૂલો ખૂલશે.

દિલ્હીમાં સ્કૂલો ખોલવાની ચર્ચા હતી, પરંતુ દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ઑક્ટોબરમાં જાહેરાત કરી હતી કે આગામી નિર્દેશો સુધી સ્કૂલો ખોલવામાં નહીં આવે. દિલ્હીમાં હાલ કોરોના સંક્રમણનો માર વધ્યો છે.https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Schools re-opening in Gujarat: Here is what rules parents need to follow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X