બેરોજગારી દૂર કરશે મોદી સરકારની મુદ્રા યોજના?

By: Nitin Mehta and Pranav Gupta
Subscribe to Oneindia News

દિલ્હીના એક સેન્ટરે તાજેતરમાં જ સમાજના વિકાસ સંબંધિત હાથ ધરેલ અભ્યાસમાં બહાર આવ્યું કે, આજના ભારતીય યુવાનોની સૌથી મોટી સમસ્યા છે બેરોજગારી. ભારતીય યુવાનોને કેન્દ્રમાં રાખીને જ આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

mudra yojana

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ કરેલ સૌથી મહત્વપૂર્ણ વાયદાઓમાંનો એક છે રોજગાર. દર વર્ષે નોકરી માટે તૈયાર થતા દેશના લાખો યુવાનોને રોજગાર પૂરો પાડવાનો વાયદો નરેન્દ્ર મોદીએ કર્યો હતો. રોજગાર પૂરો પાડવાનો અર્થ માત્ર નોકરીઓ ઊભી કરવી જ નથી, નોકરીની સાથે સ્વ-રોજગારની તકો પૂરી પાડવી પણ જરૂરી છે. સ્વ-રોજગારમાંથી જ મુદ્રા યોજના(માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ અને રિફાઇનાન્સ એજન્સિ)નો વિચાર ઊભો થયો. મુદ્રા યોજના એ રોજગાર પૂરો પાડવાની નરેન્દ્ર મોદીની નીતિનું સૌથી મહત્વપૂર્ણ પાસુ છે, જેનો મુખ્ય હેતુ છે નવા વેપારીઓ અને માઇક્રો એન્ટરપ્રાઇઝિસને પ્રોત્સાહન આપવું.

વર્ષ 2015ના યુનિયન બજેટમાં આ યોજનાની ઘોષણા કરવામાં આવી હતી, જો કે તેની ઔપચારિક જાહેરાત નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2015માં કરી હતી. છેલ્લા બે વર્ષોમાં મુદ્રા યોજનાને કેટલી સફળતા મળી છે એનો ક્યાસ અમે તમને અહીં આપવા જઇ રહ્યાં છીએ. આ પહેલાં પણ સ્વ-રોજગારી રળતાં વેપારીઓ તથા લઘુ અને સૂક્ષ્મ પાયાના ઉદ્યોગોને જરૂરી ધિરાણ મળી રહે એ માટે ભૂતકાળની સરકારો દ્વારા અનેકવાર પહેલ કરવામાં આવી છે, પરંતુ આ યોજનાઓ કે જોગવાઇઓની મર્યાદિત અસરકારકતાને કારણે મુદ્રા યોજનાની જરૂરિયાત ઊભી થઇ છે.

શું છે મુદ્રા યોજના?

મુદ્રા યોજના હેઠળ સરકાર માઇક્રો એન્ટરપ્રાઇઝને ધિરાણ કરતા માઇક્રો ક્રેડિટ સંસ્થાનો તથા નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશનને પુનઃરોકાણ માટે જરૂરી ધિરાણ પૂરું પાડે છે. એનએસએસઓ 2013 અનુસાર, આપણા દેશમાં 5 કરોડથી પણ વધુ નાના પાયાના ઔદ્યોગિક એકમો છે. આમાંના મોટા ભાગના સાહસો વ્યક્તિગત માલિકીના છે, જે આપણા અર્થતંત્રના મોટા અનૌપચારિક ક્ષેત્રનું નિર્માણ કરે છે. આમાંથી મોટા ભાગના વેપારીઓ અને ઉદ્યોગોને સરકારે જોગવેલ ઔપચારિક ધિરાણનો લાભ મળી શકતો નહોતો અને આથી તેઓ ધિરાણના અનૌપચારિક સ્ત્રોત પર આધારિત હતા. મુદ્રા યોજના હેઠળ અરજદારો ત્રણ વિભાગો હેઠળ ધિરાણ માટે વિનંતી કરી શકે છે.

  • શિશુઃ રૂ.50,000 સુધીની લોન
  • તરુણઃ રૂ.50,000થી રૂ. 5 લાખ સુધીની લોન
  • મધુરઃ રૂ.5 લાખથી વધુની લોન

મુદ્રા યોજનાનો લાભ કોણ લઇ શકે?

મુદ્રા યોજનાના લાક્ષણિક લાભાર્થી છે માઇક્રો એન્ટરપ્રાઇઝ/સિંગલ ફંક્શન ઓપરેશન(એકલા હાથે કારભાર સંભાળનાર), જેમના માટે ધિરાણના ઔપચારિક સ્ત્રોતનો ઉપયોગ કરવો મુશ્કેલ છે અને જેઓ ધિરાણના અન્ય મોંઘા સ્ત્રોતો જેવા કે સ્થાનિક ધિરાણકારો પર આધારિત છે. નોન-મિકેનાઇઝ્ડ ઉત્પાદન, મજૂર સઘન પ્રક્રિયા, વેપાર તથા વિવિધ સર્વિસ/સેવાઓ પૂરી પાડતા ઉદ્યોગોનો આમાં સમાવેશ થાય છે. નાના દુકાનદારો, શાકભાજી અને ફળો વેચનાર, નાની વર્કશોપ/સમારકામના દુકાનદારો વેગેર મુદ્રા યોજનાનો લાભ મેળવી શકે છે.

વાર્ષિક ધોરણે લોનની વહેંચણીનું યોગ્ય એકાકીકરણ

ગત નાણાંકીય વર્ષની સરખામણીએ મુદ્રા યોજનાની પહોંચમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, વર્ષ 2015-16માં દેશભરમાં 3.5 કરોડ લોન આપવામાં આવી હતી, જેની સરખામણીએ વર્ષ 2016-17માં લગભગ 4 કરોડ લોનનું ધિરાણ કરવામાં આવ્યું છે. લેણદારોને ધિરાણ કરતી માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ, બેંકો અને એનબીએફસી વચ્ચે વહેંચાયેલ કુલ રકમમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. વર્ષ 2016-17 માટે આ કુલ રકમ છે રૂ.1.75 લાખ, જે વર્ષ 2015-16ની સરખામણી રૂ.33,000 હજાર કરોડ વધુ છે.

1/3 ભાગ(36%) કરતાં પણ વધુ લોન નવા વેપારીઓએ લીધી

આ આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે, પોતાનો વેપાર વિસ્તૃત કરવા માંગતા વેપારીઓ તથા કાર્યકારી મૂડીની જરૂરિયાત ધરાવતા વેપારીઓ ઉપરાંત નવા વેપારીઓ પણ આ યોજનાનો લાભ લેતા થયા છે. નવા સાહસ/વેપારને પ્રોત્સાહન આપવામાં આ યોજના સફળ રહી છે. આમ છતાં, આ નવા ઉદ્યોગ સાહસિકોમાંથી નોકરી બજારમાં નવા જોડાયેલ વેપારીઓ કેટલા છે તથા નોકરીમાંથી સ્વ-રોજગાર તરફ વળેલા વેપારીઓ કેટલા છે એ જાણવા માટે એક વિસ્તૃત વિશ્લેષણ કરવું જરૂરી છે.

દરેક 5 મુદ્રા લોનમાંથી 4 મહિલા લાભર્થીઓને આપવામાં આવે છે

આ અત્યંત રસપ્રદ છે કારણ કે, પહેલાની જોગવાઇઓમાં ખૂબ ઓછી મહિલાઓને ઔપચારિક ધિરાણ પદ્ધતિઓનો લાભ મળતો હતો. આ પાછળનું એક કારણ હતું, બાંયધરીનો અભાવ. મુદ્રા યોજના હેઠળની શિશુ લોન માટે કોઇ ગેરન્ટી કે બાંયધરી રૂપી મિલકત આપવાની જરૂર નથી. આ પણ એક કારણ છે, જેને લીધે મહિલાઓ મોટા પાયે મુદ્રા યોજનાનો લાભ લઇ રહી છે. બીજું કારણ છે, મહિલા લેણદારોને આપવામાં આવતી 25 બેસિસ પોઇન્ટ ઇન્ટરેસ્ટની છૂટ.

સૌથી વધુ 90% શિશુ લોનના લેણદારો સામે આવ્યા છે

આના પરથી સ્પષ્ટ છે કે, આ યોજના નાનામાં નાના પાયાના સાહસિકો સુધી પહોંચી છે અને અત્યંત લાભકારક સાબિત થઇ છે. અનૌપચારિક ક્ષેત્રના એવા ઉદ્યોગો કે જે મોટી માત્રામાં મજૂર વર્ગને રોજગાર પૂરો પાડે છે, તેમના સુધી ઔપચારિક ધિરાણ પદ્ધતિ પહોંચે તે ખૂબ જરૂરી છે. આમાંના ઘણા ઉદ્યોગો એવા હશે જેનો કારભાર એક જ વ્યક્તિ સાચવતો હશે. હવે સરકારે એવા લેણદારો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જેઓ સફળતાપૂર્વક પોતાનો ઉદ્યોગ કરી રહ્યાં છે અને તેનો વિસ્તાર કરવા માંગે છે. લાંબા ગાળે આ જ ઉદ્યોગો નવી નોકરીઓ ઊભી કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.

મુદ્રા યોજાના લાભાર્થીઓમાં અડધાથી પણ વધારે સીમાંત સમુદાયના લોકો - 35 ટકા ઓબીસી, 20 ટકા એસસી અને 5 ટકા આદિવાસીઓનો આમાં સમાવેશ થાય છે

વેપાર અને સ્વ-રોજગાર માટે ધિરાણની જોગવાઇ આ સમુદાયોમાં નોકરી આપનારાઓની સંખ્યામાં વધારો કરશે. પહેલાની સરકારોમાં જ્યારે આવી જોગવઇ કરવામાં આવી ત્યારે એવા અનેક કિસ્સા બન્યા હતા, જેમાં સત્તાધીશો આવી સરકારી યોજનાઓના લાભ તેમના સમર્થકો સુધી સીમિત કરી દેતાં. આવી યોજનાઓનો લાભ કોને મળશે અને કોને નહીં, એનો નિર્ણય લેવાની સત્તા સ્થાનિક નેતાઓના હાથમાં હોવાથી આમ થતું હતું. મુદ્રા યોજનામાં આવું રાજકારણ જોવા મળ્યું નથી, જે નોંધપાત્ર છે. અહીં લેણદારોએ માત્ર ધિરાણ કરનારનો સંપર્ક કરવાની જરૂરિયાત છે, વચ્ચે કોઇ રાજકીય નેતાની મધ્યસ્તાની જરૂર નથી.

સારાંશ

સ્થાનિક સ્વ-રોજગારો અને નાના સાહસિક એકમોને નોકરી પૂરી પાડતાં ઉદ્યોગમાં ફેરવવા માટેનું પ્રથમ પગલું એટલે નરેન્દ્ર મોદીની મુદ્રા યોજના. જો કે, હાલના સમયની જરૂરિયાત છે કે આ યોજનાના લાભાર્થીઓને યોજના અંગેનું માર્ગદર્શન મળી રહે અને તેનું નિરિક્ષણ થાય. આ આખી પ્રક્રિયામાં લોનની વહેંચણી બાબતે સરકારે નિરિક્ષણ કરવાની જરૂર છે. જો કે, આપણે એ યાદ રાખવું જોઇએ કે, મુદ્રા યોજના એ સરકારની રોજગાર પૂરો પાડતી નીતિનું માત્ર એક જ પાસુ હોય એવી સંભાવના છે. દેશમાં પર્યાપ્ત રોજગાર ઊભો કરવા માટે મુદ્રા યોજનાની સાથે ઘણું કરવાની જરૂર છે.

(આ લેખના લેખક નીતિન મહેતા રણનીતિ કન્સલ્ટિંગ એન્ડ રિસર્ચમાં મેનેજિંગ પાર્ટનર છે. લેખક પ્રણવ ગુપ્તા સ્વતંત્ર સંશોધક છે.)

English summary
A recent study on the Indian Youth by Delhi based Center for the Study of Developing Society reveals that unemployment is the biggest concern of the youth today.
Please Wait while comments are loading...