
બળવાખોર ધારાસભ્યો પર સંજય રાઉતનુ ટ્વિટ - પૈસા અને પદની બહુ ચિંતા કરવાથી બચો, કારણકે...
મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ સાથે શિવસેના પર રાજકીય સંકટ પણ ઘેરાઈ રહ્યુ છે. એકનાથ શિંદેના બળવાખોર વલણને કારણે શિવસેના સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. શિંદે સહિત અનેક ધારાસભ્યો ભાજપ શાસિત આસામની એક ફાઈવ સ્ટાર હોટલમાં અડ્ડો જમાવી બેઠા છે. આ દરમિયાન, શનિવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે એકનાથ શિંદે સહિત બળવાખોર ધારાસભ્યો પર પ્રહારો કર્યા હતા.
તેમના ટ્વિટમાં સંજય રાઉતે લેખક રુડયાર્ડ કિપલિંગના અવતરણની એક તસવીર શેર કરી. જેમાં લખ્યુ છે - પૈસા, પદ અથવા પ્રતિષ્ઠા માટે વધુ પડતી ચિંતાથી સાવચેત રહો. કોઈ દિવસ તમે એવા વ્યક્તિને મળશો જે આમાંની કોઈપણ બાબતોની પરવા કરશે નહિ. ત્યારે તમને ખબર પડશે કે તમે કેટલા હીન છો.
ગુવાહાટીની હોટલમાં અડ્ડો જમાવ્યો છે બળવાખોરોએ
એકનાથ શિંદે સહિત 38 ધારાસભ્યો ગુવાહાટીની એક હોટલમાં અડ્ડો જમાવીને બેઠા છે. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે બપોરે 1 વાગ્યે કાર્યકારિણી બેઠકની અધ્યક્ષતા કરશે. સત્તાધારી મહા વિકાસ અઘાડી, જેમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પણ સામેલ છે, જે તલવારની ધાર પર ચાલી રહ્યા છે.
પીઠમાં છૂરો ભોંક્યો
શુક્રવારે એક ભાવનાત્મક સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ પક્ષપલટાઓને "પીઠમાં છૂરો મારનારા" ગણાવ્યા. મોડી રાત્રે પોતાના બીજા સંબોધનમાં તેમણે ભાજપ પર શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ભાજપ હિન્દુત્વના માલિક બનવા માંગે છે. અમે બાળાસાહેબના નેતૃત્વમાં હિન્દુત્વનો પાયો નાખ્યો અને તેઓ તેનો લાભ લઈ રહ્યા છે.