
ઋષિકેશમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રસ્થાપિત કરાશે મહાદેવ!
નવી દિલ્હી, 20 જૂન : ઉત્તરાખંડમાં આભ ફાટ્યાના 72 કલાકમાં બધું જ ફનાહ-ફાતિયા કરી નાખનાર વરસાદનું રુદ્ર સ્વરુપ જોવા મળ્યું હતું. ભારે વરસાદના પગલે પૂરના પગલે ટીવી ચેનલો, અખબાર અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર છવાયેલી ઋષિકેશની વિશાળ શિવજીની પ્રતિમા વિશાળ જળપ્રવાહમાં તણાઇ જવા છતાં આ પ્રતિમાને કોઇ નુકસાન થવા પામ્યુ નથી અને હવે વૈજ્ઞાનિક સલાહ લઇને પરમાર્થ નિકેતન આશ્રમમાં નવેસરથી આ મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે.
ઋષિકેશમાં સ્વર્ગાશ્રમની પાસે આવેલ પરમાર્થ નિકેતન આશ્રમની ઓળખ શિવની આ ધવલ અને વિશાળ પ્રતિમાથી છે જેની સામે રોજ સાંજે ગંગા આરતી થાય છે. ગયા વર્ષે ઉત્તરકાશીમાં આવેલા પૂરના કારણે પણ અહીં શિવની મૂર્તિની જળસમાધી થઇ ગઇ હતી.
આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતીએ જણાવ્યું કે ગઇ વખતે મૂર્તિની જળસમાધી થઇ ગયા બાદ અમે 15 ફૂટ ઉંચો પુલ બનાવડાવીને તેની સ્થાપના કરી હતી પરંતુ આ વર્ષે જળપ્રવાહ એટલું ભીષણ હતું કે મૂર્તિ પાણીના વેગ સામે ટકી શકી નહીં. જોકે અમે તેની ફિલ્મ બનાવી લીધી છે, અને મૂર્તિને શોધી કઢાઇ છે. જળપ્રવાહ ઓછો થતા તેને આશ્રમ લઇ આવવામાં આવશે.તેમણે જણાવ્યું કે મૂર્તિને કોઇ નુકસાન થયું નથી અને હવે તેને વિશ્લેષકોની સલાહ લઇને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રસ્થાપિત કરવામાં આવશે જેથી આવું ફરીથી ના થાય. તેમણે કહ્યું કે આશ્રમ રાહત કાર્યોમાં ઉત્તરાખંડ સરકારની મદદની રૂપરેખા બનાવી રહ્યું છે.