સોપોર એનકાઉન્ટરઃ શ્રીગનરથી 50 કિમી દૂર 2 આતંકી ઠાર મરાયા
જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં આવતા સોપોરમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચેના એનકાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સોપોરમાં જે જગ્યાએ આજે એનકાઉન્ટર થયુ છે તે જગ્યા રાજધાની શ્રીનગરથી 50 કિમી દૂર છે. આ એનકાઉન્ટર સોપોરના દ્રૂસુમાં થયુ છે. આ ઓપરેશનને સેનાની 22 રાષ્ટ્રીય રાઈફલ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલિસની જોઈન્ટ ટીમે અંજામ આપ્યો છે. માર્યા ગયેલા આતંકીઓના નામ બિલાલ અહમદ અને જૂહુર અહમદ જણાવવામાં આવે છે. એનકાઉન્ટરમાં એ એન્જિનિયર પણ માર્યા ગયા છે જે થોડા દિવસ પહેલા પોતાના ઘરેથી ગાયબ થઈ ગયા હતા.
વિદ્યાર્થીના પરિવારે કરી હતી સરેન્ડરની અપીલ
એનકાઉન્ટરમાં એક વ્યક્તિ ખુરશીદ અહમદ બટના માર્યા જવાના પણ સમાચાર છે. ખુરશીદ પુલવામાનો રહેવાસી હતો. તે બીટેકનો વિદ્યાર્થી હતો અને તેના પરિવારે તેને સરેન્ડર કરવાની અપીલ પણ કરી હતી. પરંતુ તેણે પોતાના પરિવારની અપીલને સાંભળી નહિ. વિસ્તારને સુરક્ષાબળોએ હાલમાં ઘેરી લીધુ છે અને કોઈને પણ બહાર જવાની પરવાનગી નથી. જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ સુરક્ષાબળોએ આ વિસ્તારમાં આતંકીઓની હાજરી અંગેની ઈન્ટેલીજન્સ રિપોર્ટ મળી હતી. ત્યારબાદ આ વિસ્તારને જ્યારે ઘેરી લેવામાં આવ્યો તો તે સમયે ફાયરિંગ શરૂ થઈ ગયુ જે એનકાઉન્ટરમાં તબદીલ થઈ ગયુ. આતંકીઓ પાસેથી સુરક્ષાબળોને ભારે માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે.
ગુરુવારે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પણ સેના અને સુરક્ષાબળ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે ફાયરિંગ ચેક નાકા પર થયુ હતુ. કુપવાડામાં થયેલા એનકાઉન્ટર બાદ સેનાએ ઈન્ટેલીડન્સ રિપોર્ટના આધાર પર ગુરુવારે મોડી રાતે દ્રૂસુમાં કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન (કાસો) લોન્ચ કર્યુ હતુ. સૂત્રો મુજબ માર્યા ગયેલા આતંકીઓનો સંબંધ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે છે. એનકાઉન્ટરના કારણે પ્રશાસન તરફથી રાફિયાબાદ અને સોપોર વિસ્તારમાં બધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.